ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં મહિલાઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધરેલું હિંસા-પરિવારને વિખુટા થતાં અટકાવવા, દંપતિઓનો સંસાર સુમધુર રીતે ચલાવવા, માનસિક સમસ્યાઓ સાથે હિંમત પૂર્વક લડાઈ લડવાની પ્રેરણા આપવા સહિતના અનેક કિસ્સાઓમાં સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા અભયમ ટીમ અને પોલીસ વિભાગ દ્વારા સકારાત્મક કામગીરી થઈ રહી છે. ત્યારે ફરી એકવાર રાજકોટ પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરના ઉમદા સંકલન થકી માનસિક સમસ્યાથી પીડિત મુંબઈની પરણિતાનું પરિવાર સાથે પુન:મિલન થયું હતું.
રાજકોટ સિટી પોલીસ દ્વારા સુરક્ષા હેતુસર રાત્રીના પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન એ. ડીવિઝન પોલીસ સ્ટેશનની ટીમને આઈ.પી.મિશન સ્કુલ પાસે ઘરથી વિખુટા પડી ગયેલી પરણિતા મળી આવી હતી. પુછપરછ કરતાં જણાયું હતું કે, મહિલાની મનોસ્થિતિ ઠીક નથી. એ. ડીવિઝન પોલીસ સ્ટેશનની ટીમે પરણિતાની સલામતી માટે રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અને કાઉન્સેલિંગ માટે મોકલી આપ્યા હતા.