ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખનાર હિસાબનીશોને કલેક્ટર દ્વારા જરૂરી સુચનો અપાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.8
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 7મેના રોજ મતદાન થનાર છે. ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ તે માટે તૈયારીઓ થઈ રહી છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ મહાપર્વની ઉજવણી શાંતિ અને સુલેહ ભર્યા વાતાવરણમાં થાય તેવા પ્રયાસો ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પોરબંદર લોકસભાની બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી ઓ અને ચૂંટણી ખર્ચના હિસાબો રાખનાર હિસાબનીશોની ટીમ સાથે કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર વોચ રાખવા જણાવ્યું હતું.
- Advertisement -
ઉમેદવારોના ખર્ચ, હિસાબોની ચકાસણી અને ચૂંટણી પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાઈ રહે તેની માહિતી અપાઈ હતી.
શેડો ઓબ્ઝર્વેશન રજીસ્ટર, ઉમેદવારના ખર્ચ રજીસ્ટર નિભાવવા જાણકારી અપાઇ હતી. સ્ટાર પ્રચારકના પ્રવાસ ખર્ચ ઉપર વોચ રાખવા પણ જણાવ્યું હતું. રાજકીય પક્ષોના ઉમેદવારો દ્રારા થતા ખર્ચના રજીસ્ટર નિભાવવા તથા પોરબંદર લોકસભાની બેઠકમાં સમાવિષ્ટ માણાવદર વિધાનસભા અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચ ઉપર વોચ રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠકરાર, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્રસિંહ એમ. રાયજાદા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિરલ દેસાઈ, દરેક વિધાનસભાના પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ ચૂંટણી ખર્ચના હિસાબો રાખનાર એકાઉન્ટ વિભાગના અધિકારીઓ, હિસાબનીશ કર્મચારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.