આગામી તા. 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ ખાતે યોજાનાર “રસરંગ” લોકમેળાના આયોજન માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ લોકમેળાનું ચુસ્ત આયોજન કરવા તમામ સમિતિના સભ્યોને સુચના આપી હતી તથા મેળા દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને અને રાજકોટ શહેર તથા જિલ્લાના ઉત્સવપ્રેમી નાગરિકો આ મેળાનો પૂરેપૂરો લાભ લઈ શકે, તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
- Advertisement -
આ બેઠકના પ્રારંભે લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીએ પી.પી.ટી.ના માધ્યમથી સમગ્ર લોકમેળાની વિગતો રજૂ કરી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.પી. દિહોરાએ સંસ્કૃતિક કૃતિઓની વિગતો રજૂ કરી હતી. પાર્કિંગ, એમ્બ્યુલન્સ, જાહેર શૌચાલય, વીજળી, સફાઇ, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કૃતિઓ, પાણી પુરવઠો, વોચ ટાવર, એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ, પોલીસ કંટ્રોલ રૂમ વગેરે બાબતો વિશે આ બેઠકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી વિવેક ટાંક, જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા, ચીફ ફાયર ઓફિસર ખેર, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ. ખપેડ તથા લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.