ડિજીટલ સર્વે ન કરવો, માત્ર પંચરોજ કામ કરી ખેડૂતોને સહાય ચુકવવા નિર્ણય કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજુલા
હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લા તેમજ રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ખૂબજ નુક્સાન થવા પામ્યું છે. સતત ચાર દિવસથી રાજુલા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જોકે અવિરત વરસાદને કારણે જાગતનો તાત ચિંતિત બન્યો હતો. વરસાદને કારણે ખેડૂતોને વાવેતર કરેલ પાક નિષ્ફળ થઈ ગયા છે. ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતો હવે મુંઝવણમાં મુકાયા છે. એક પછી એક ખેડૂતો પર માવઠાનો માર પડતા ખેડૂતોને મોઢામાં આવેલ કોળીયો છીનવાઇ ગયો છે. કપાસ, ડુંગળી , મગફળી, સોયાબીન, તલ, અજમા સહિતના અનેક પાકોને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. આ કુદરતી આફત વરચે રાજ્ય સરકાર દ્વારા ડીજીટલ સર્વેના આદેશ આપ્યા હતાં. વરસાદને કારણે કારણે ખેડૂતોને 100% ટકા નુકસાન થયું છે તો ડીજીટલ સર્વે કરવાનો કોઈ અર્થ નથી તેવે ખેડૂતોએ રજૂઆત કરી હતી. અને માત્ર ખેડૂતોને સીધી સહાય ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ કરવામા આવેલ હતી. ત્યાર આ બાબતે સરકાર દ્વારા ગંભીરતા લેવામાં આવી હતી. ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સરપંચો એસોસિયેશન પ્રમુખ મનુભાઇ જે. ધાખડા સાથે બેઠક દરમિયાન ટેલીફોનિક વાતચીત કરતા માત્ર ગામડાઓમા પંચરોજ કરીને સહાય ચુકવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોના હિતમાં નિર્ણય કરાતા 72 ગામના સરપંચો અને ખેડૂતોએ રાજ્ય સરકાર, ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સહાય ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.



