બેઠકમાં અન્નક્ષેત્રો વ્યાપ વધારવો, સ્વચ્છતા પર ભાર અને નવા સૂચનો અને વ્યવસ્થાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
- Advertisement -
રાજ્ય સરકારના પ્રયાસોથી જૂનાગઢનો સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો આ વર્ષે વધુ ભવ્ય રીતે યોજવા જઈ રહ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ આ માટેની પૂર્વ તૈયારીઓ તેજ કરી દીધી છે. તાજેતરમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઉતારા મંડળ સાથે જોડાયેલી સેવાભાવી સંસ્થાઓ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન સાધવાનો હતો. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ભોજન અને વિસામાની ઉત્તમ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને અન્નક્ષેત્રોને જરૂરી શાકભાજી, દૂધ, છાશ અને ગેસ જેવી ચીજવસ્તુઓ મેળા ક્ષેત્રની અંદરથી જ સરળતાથી મળી રહે તેવું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરે સૂચન કર્યું હતું કે ભોજન સેવાઓ વધુ વિસ્તૃત બને તે માટે ભરડાવાવ અને ગિરનાર દરવાજા જેવા માર્ગો પર પણ અન્નક્ષેત્રો અને ચા-પાણીના સ્ટોલ શરૂ કરવામાં આવે. વધુમાં, વહીવટી તંત્ર અને ઉતારા મંડળ વચ્ચે કાયમી સંપર્ક માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવશે. મેળામાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જળવાય અને કચરાનું નિયમિત કલેક્શન થાય તે બાબતે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પુરવઠા અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



