સ્થાનિક ફાયર ફાઇટર પાસે પૂરતા સંસાધનો નહીં હોવાથી શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
- Advertisement -
થાનગઢ શહેરના બાયપાસ રોડ પર આવેલ જીઆઇડીસી વિસ્તારના કારખાનામાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જીઆઇડીસીમાં આવેલ “વિશ્વકર્મા સિરામિક” પ્લાસ્ટિકની દોરી બનાવતા કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આજુબાજુના કારખાનાઓ અને રહેણાંક વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે કારખાનામાં અચાનક આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો અને કારખાનાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
જો કે, થાનગઢ ફાયર વિભાગ પાસે આગ પર ઝડપી કાબુ મેળવવા માટે પૂરતા સાધનો અને સંસાધનો ઉપલબ્ધ ન હોવાના કારણે આગ વધુ ફેલાઈ અને બેકાબૂ બની ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા અંતે ચોટીલા, ધ્રાંગધ્રા તેમજ સુરેન્દ્રનગરથી વધારાની ફાયર ફાઇટર ટીમોને બોલાવવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોથી પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમોએ સતત કલાકો સુધી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કાબુમાં લેવાની કામગીરી દરમિયાન પાણીના ટેન્કરો અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં કારખાનામાં રાખેલ કાચો માલ, તૈયાર માલ તેમજ મશીનરી સહિત લાખ્ખો રૂપિયાનું નુકશાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ મોટું આર્થિક નુકશાન થવાને કારણે કારખાનાના માલિકને ભારે ફટકો પડ્યો છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.



