ફાયર વિભાગે 25 હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો; દિવાળીના સમયે મોટી દુર્ઘટના ટળી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ગેસ પાઇપલાઇન લીકેજ થવાને કારણે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. યાર્ડમાં ચાલી રહેલા ગટરના કામ માટેના ખોદકામ દરમિયાન આ પાઇપલાઇન લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
- Advertisement -
ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે 24 થી 25 હજાર લીટર પાણીનો અને 100 લિટર ફોર્મનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.
આ ઘટના પગલે પ્રાંત અધિકારી, સિટી મામલતદાર અને સિટી પોલીસ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દિવાળીના તહેવાર નિમિત્તે આ વિસ્તારમાં લોકોની ભારે અવરજવર રહેતી હોય છે, તેવા સમયે આગ લાગવા છતાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. આગમાં થયેલા નુકસાન અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.



