હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયેથી શોભાયાત્રા આશાપુરા મંદિર પેલેસ રોડ જશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ક્ષાત્રપર્વ વિજ્યાદશમીની રાજકોટ શહેરમાં ક્ષત્રિય (ગિરાસદાર) સમાજની સંસ્થા ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે તા. 12 ને શનિવારના રોજ વિજ્યાદશમી પર્વ નિમિત્તે ક્ષત્રિય (ગિરાસદાર) સમાજ દ્વારા સમૂહ શસ્ત્રપૂજન સાથે પરંપરાગત પોશાકમાં ઢોલ, શરણાઈ, અશ્ર્વો, કેસરીયા ધ્વજ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. રાજકોટ શહેરમાં છેલ્લા 50 વર્ષથી યોજાતા ક્ષાત્રપર્વ નિમિત્તના સમૂહ શસ્ત્રપૂજન-શોભાયાત્રા શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, રજપૂતપરા શેરી નં. 5 ખાતેથી આવતીકાલે બપોરે 2-30થી આરંભ થશે. છાત્રાલય ખાતે ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ક્ષત્રિય (ગિરાસદાર) સમાજના યુવાનો, વડીલો પ્રથમ શસ્ત્રપૂજન કરશે, બાદમાં શસ્ત્રપૂજન વિધિ પૂર્ણ થયા બાદ પગપાળા શોભાયાત્રારૂપે પેલેસ રોડ ખાતેના આશાપુરા મંદિરે જવા બપોરે 3-30 કલાકે પ્રસ્થાન કરશે.
- Advertisement -
રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, યુવરાજ જયદીપસિંહજી જાડેજા (રામરાજા)ની આગેવાનીમાં સમાજના મોભીઓ, મહેમાનોની ઉપસ્થિતિમાં પરંપરાગત પોષાક સાફા-પાઘડી સાથે શોભાયાત્રા છાત્રાલયથી રજપૂતપરા, મ્યુનિસિપલ ચોક, ઢેબર ચોક, સર લાખાજીરાજ બાપુના સ્ટેચ્યુને પૂજન બાદ ત્યાંથી ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ભૂપેન્દ્ર રોડ અને પેલેસ રોડ પરના આશાપુરા માના મંદિર ખાતે શોભાયાત્રા પહોંચશે જ્યાં રાજપરિવાર દ્વારા માતાજી સમક્ષ વૈદિક વિધાનો સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવશે. આશાપુરા મંદિરે શસ્ત્રપૂજન સાથે તલવારબાજી કૌશલ્ય રજૂ કરશે ત્યાર બાદ રણજીતવિલાસ પેલેસ ખાતે રાજકોટ રાજ પરિવાર દ્વારા શસ્ત્ર, ગાડી, રથ, અશ્ર્વ પૂજન સાથે છાત્રાલયના છાત્રો તેમજ અન્ય જાણકારો દ્વારા ક્ષાત્રશૌર્યની કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે. પેલેસ ખાતે અલ્પાહાર સાથે કાર્યક્રમનું સમાપન થશે. ક્ષાત્રપર્વમાં રાજકોટ શહેરમાં વસતા તેમજ આસપાસના ગામોમાં રહેતાં ક્ષત્રિય પરિવારના યુવાનો, ભાઈઓ, વડીલોએ પરંપરાગત પોષાક સાફા-પાઘડી સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલની કાર્યવાહક સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે રાજદિપસિંહ જાડેજા, દિલજીતસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, રાજદિપસિંહ રાણા, છત્રપાલસિંહ જાડેજા આવ્યા હતા.