એક મિત્ર રાત્રે આઠ વાગે મળવા માટે ઘરે આવ્યા. એમના ચહેરા પર ગર્વ અને આંખોમાં ખુશી છલકાતી હતી. સાથે એમનાં પત્ની પણ હતાં. મિત્રે કહ્યું, ’અમે નવી મર્સિડીઝ કાર લીધી છે. ચાલો, તમને ડ્રાઇવ પર લઇ જઇએ.’ અમે પહેરેલાં કપડે એમની સાથે બહાર નીકળ્યાં. ઓફ વ્હાઇટ કલરની ગાડી જોઇને મેં મિત્રના મનમાં જે અપેક્ષિત હતી તેવી પ્રશંસા ઉચ્ચારી, ’વાહ, કેટલી સુંદર કાર છે!’ મિત્રદંપતી રાજી થયું અમને આખા શહેરમાં ઘુમાવીને એક જાણીતી બ્રાન્ડના આઇસક્રીમ પાર્લરમાંથી અલગ અલગ ફ્લેવર્સના ત્રણ આઇસક્રીમ ખવડાવીને પાછા ઘરે મૂકી ગયાં.
સોશિયલ મીડિયા ઉપર એમણે અમારા પિક્સ પણ મૂક્યા. અલબત્ત, એમાં કેન્દ્રસ્થાને એમની મર્સિડીઝ હતી. પિક્સ જોઇને બીજા દિવસે મારા પુત્ર સ્પંદને કહ્યું, ’પપ્પા, તમારી ઇચ્છા હોય તો તમારા બર્થ ડે પર તમને મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપું.’ મેં સાફ ના પાડી દીધી. મોંઘી કાર લેવા સામે મારો કોઇ જ વિરોધ નથી. જો ઉપયોગિતા હોય અને આર્થિક ત્રેવડ હોય તો માણસ હેલિકોપ્ટર પણ ખરીદી શકે. મારું માનવું છે કે વાહન માત્ર સગવડનું સાધન છે. એ માત્ર માધ્યમ છે, સુખ નથી. જે મિત્રની મેં વાત કરી એ શ્રીમંત છે, આ વાત એમને ઓળખનારા બધા લોકો જાણે છે. એમને આવા કોઇ પુરાવા આપવાની જરૂર નથી. એમની જાહેર ઇમેજમાં મોંઘી કારથી કોઇ જ નવો રંગ ઉમેરાતો નથી. એમની દિનચર્યા હું જાણું છું. રોજ માંડ પાંચેક કિલોમીટર ફરતાં હશે.
- Advertisement -
આ કાર એમણે માત્ર પોતાનું સોશિયલ સ્ટેટસ ચમકાવવા માટે ખરીદી હોય એવું એમનાં વાણીવર્તન પરથી લાગતું હતું. અંગતપણે હું માનું છું કે મારા એ વહાલા મિત્ર ભલે મર્સિડીઝમાં સવાર થાય પણ મર્સિડીઝ એમના મન પર સવાર ન થાય. સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું, ’હું એ મહાન દેશનું પ્રતિનિધિત્વ કરું છું, જ્યાં માણસનું મૂલ્ય એના સદ્ગુણોથી અંકાય છે, એનાં વસ્ત્રો કે અન્ય ઉપકરણો વડે નહીં.’ આ દેશમાં સૌથી અધિક પૂજાતા ગાંધીજી, રવિશંકર મહારાજ કે અન્ના હઝારે જેવા જાણીતા મહાપુરુષો કઇ બ્રાન્ડનાં સૂટ-બૂટ પહેરીને ફરતા હતા? ‘તેન ત્યક્તેન ભૂંજીથા’: વસ્તુનો ત્યાગ કરીને ભોગવતા શીખીએ.