ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબી શહેરમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા 23 (ત્રેવીસ) વર્ષથી નાસતો ફરતો આરોપી જે ઉતરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે સાધુ બની રહેતો હોય જે આરોપીને મથુરા ખાતેથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
વર્ષ 2002મા મોરબીના ત્રાજપર ખારીમાં બનેલ આ ગુનાની માહિતી એવી છે કે, ફરીયાદીના નવી માતા ચંપાબેનને બનાવ સ્થળે સમયે આરોપીએ કપડા વડે ગળે ટુંપો દઈ મોત નીપજાવી મરણજનારના પહેરેલ દાગીના સોનાના પાટલા, ચેન, પગમાં પહેરવાના ચાંદીના કડલાની લુંટ કરી નાશી ગયાની ફરીયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરવામાં આવી હતી.
- Advertisement -
આ ગુનાની તપાસ તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર, મોરબી સીટી પોલીસ સ્ટેશનનાઓએ કરેલ હતી. અને આ ગુનામાં આરોપીઓ તરીકે સોનલબેન ઉર્ફે સોનું ઉર્ફે ધર્માવતી નટવરભાઇ પરમાર રહે. મુળ સોખડા તા.જી.વડોદરા તથા પ્રેમસીંગ ઉર્ફે ગુફુ સરમન બઘેલ (ગદરીયા) રહે. અવાર તા.કુહેર જી.ભરતપુર (રાજસ્થાન) વાળાના નામો ખુલ્લેલ હતા. જે આરોપીઓ બાબતે મોરબી સીટી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ મળી આવવાની સભંવીત જગ્યાઓએ તથા તેના વતનમાં તપાસ કરેલ પરંતુ તપાસ દરમિયાન આરોપીઓ મળી આવેલ નહી જેથી તપાસ હાથ ઉપર રાખવાની શરતે તપાસ અધિકારી દ્વારા મોરબી સીટી પોલીસ સ્ટેશન વર્ગ અ સમરી ભરી નામદાર એડીચીફ જયુડી.મેજી.સા મોરબી કોર્ટમા મોકલી આપેલ અને આ બંન્ને આરોપીઓના સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટ મેળવેલ હતા તેમજ બંન્ને આરોપીઓને ફરારી જાહેર કરવા નામદાર કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ 8ર (2) મુજબ તા.27/08/ 2009 ના રોજ રીપોર્ટ કરી ફરારી જાહેર કરાવેલ હોય જે ગુનાના નાસતા ફરતા આરોપી છેલ્લા ત્રેવીસ વર્ષ જેટલા લાંબા સમયથી નાસતા ફરતા રહેલ હોય જેથી તેઓને પકડી પાડવા સારૂ પોલીસ મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લોની અલગ-અલગ ટીમો બનાવી આ ગુનાના નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા તપાસ હાથ ધરતા.
આ ગુનામા નાસતા ફરતા આરોપીઓ પૈકીના આરોપીને પ્રેમસીંગ ઉર્ફે ગુરુ સરવન જાતે ભરવાડ (ગડરીયા) રહે. અવાર તા.કુમ્હેર જી. ભરતપુર (રાજસ્થાન) વાળો હાલે ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી કોઇ મંદીરમાં રહી સેવા પુજા કરતો હોવાની બાતમી મળેલ હોય જેથી એક ટીમને ઉતર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે રવાના કરી તેઓ દ્વારા તપાસ કરતા મથુરા જિલ્લાના છાતા તાલુકાના તરોલી જાનુબી ગામની સીમમાં આવેલ હનુમાન મંદીર ખાતેથી તપાસ કરતા આ ગુનાના કામે છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસતો ફરતો આરોપી મળી આવતા જેને નામદાર કોર્ટ તરફથી મળેલ સી.આર.પી.સી.કલમ 70 મુજબના વોરંટની અમલવારી કરી હસ્તગત કરી આગળની વધુ તપાસ અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને સોપેલ છે. મોરબી શહેર વિસ્તારમાં સને-2002 ની સાલમાં બનેલ લુંટ વિથ મર્ડરના ચકચારી ગુનાના છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસતા ફરતા રહેલ આરોપી જે ઉતરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા વિસ્તારમાં સાધુનો વેશ ધારણ કરી મંદિરમાં સેવા પુજા કરતો હોય ત્યાથી પકડી પાડવામાં મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો ટીમને સફળતા મળેલ છે.