અગાઉ જુનાગઢ અને ધોરાજીમાંથી પણ ગાંજા સાથે પકડાઈ ચૂક્યો છે સપ્લાયર
સુરતથી ગાંજો લાવી જેતપુરના શખ્સને સપ્લાય કરે તે પૂર્વે જ SOGએ દબોચી લીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ રૂરલ એસોજીની ટીમે જેતપુરના નવાગઢ વિસ્તારમાંથી ધોરાજીના શખ્સને 7.970 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. સુરતથી ગાંજાની ખેપ મારી જેતપુર સપ્લાય કરે તે પૂર્વે જ દબોચી લીધો હતો અગાઉ પણ બે વખત ગાંજાની હેરફેરના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે જેતપુરમાં જેને ગાંજો આપવાનો હતો તેનું નામ ખૂલતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને એસપી હિમકર સિંહ દ્વારા જિલ્લામાં માદક પદાર્થની હેરફેર ઉપર ખાસ વોચ રાખવા આપેલી સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજી પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એન.ચાવડા તથા પી.બી. મિશ્રાની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, વીરરાજ ધાધલ અને કોન્સ્ટેબલ ચિરાગ કોઠીવારને મળેલી બાતમીના આધારે જેતપુરના નવાગઢ વિસ્તારમાંથી ધોરાજી રસુલપરાના મોહમ્મદ ઉર્ફે મમલો ગુલામહુસેન શેખ ઉ.54ને ઝડપી લીધો હતો. એસોજીની ટીમે આરોપી પાસેથી રૂપિયા 79,700 રૂપિયાનો 7.970 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે જણાવ્યું હતું કે, મોહમ્મદ ઉર્ફે મમલો અગાઉ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 49 કિલો ગાંજા તથા ધોરાજીમાં 8.50 કિલો ગાંજા સાથે પકડાઈ ચૂક્યો છે આરોપી સુરતથી ગાંજાનો આ જથ્થો લાવ્યો હતો અને જેતપુરમાં ગેસ ગોડાઉન પાસે રહેતાં દાદામીયા વાલમમિયા સૈયદ નામના શખ્સને સપ્લાય કરવા માટે આવ્યો હતો ઝડપાયેલા શખ્સ સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે રીસીવર શખ્સની શોધખોળ આદરી છે.