મૃતક શખ્સ બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની આશંકા હતી
યુવકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે જેમાં પાટડી તાલુકાના ઝીંઝુવાડા પોલીસ મથકમાં બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ શખ્સને શંકાના આધારે જિલ્લા એલ.સી.બી ટીમ દ્વારા બે દિવસ પૂર્વે એલ.સી.બી કચેરી ખાતે લઈ આવ્યા હતા જે બાદ અચાનક ગઈ કાલે ગુરુવારે આ શખ્સની કચેરીના શૌચાલયમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવ પામ્યો હતો. જેને લઇ શખ્સના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી દ્વારા બે દિવસ પહેલા પાટડી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન ઝીંઝુવાડા પોલીસ મથકના બાઈક ચોરીમાં સંડોવાયેલ શંકાસ્પદ શખ્સ ગજેન્દ્રસિંહ ભુરુભા ઝાલા, ઉ.વર્ષ 26 વાળાને ચોરીના એક બાઈક સાથે ઝડપી પાડી અટક કરી એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જેની વધુ પૂછપરછ દરમિયાન કુલ આઠ જેટલા બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. એલસીબી પોલીસ દ્વારા અટક કરી લાવેલ આરોપીને કચેરીના લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન ગુરુવારે બપોરના અરસામાં અચાનક આરોપી ગજેન્દ્રસિંહનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં એલસીબી કચેરીના પુરછપરછ રૂમમાંથી મળી આવ્યો હતો. જેની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી સાંજે આરોપીના મૃતદેહને પીએમ અર્થે મુખ્ય સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી પરિવારજનોની હાજરીમાં ફોરેન્સિક પી.એમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયેલા પરિવારજનોએ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મામલો શાંત પડવા પ્રયાસ શરૂ કર્યો છે.



