ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.19
પોરબંદરના દરિયાકાંઠે ઓડદર ગામમાં સરકારી જમીન પર થયેલી ગેરકાયદે પેશકદમી દૂર કરવા માટે મંગળવારે વિશાળ ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી. પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના નિર્દેશન હેઠળ પ્રાંત અધિકારી સંદિપ જાદવ અને ગ્રામ્ય મામલતદાર સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. ઓડદર ગામના સર્વે નંબરમાં આવેલ રંગબાઇ માતાજીના મંદિર નજીક 240 વિઘા સરકારી જમીન પર થયેલ પેશકદમી દૂર કરવામાં આવી હતી. આ જમીનની કુલ કિંમત અંદાજે 10 કરોડ રૂપિયાની હોય તેવું ગણવામાં આવ્યું છે.
- Advertisement -
આ કામગીરી માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરાયો હતો અને ત્રણ જેટલી જેસીબી મશીનોની મદદથી પાકા બાંધકામો અને દિવાલો તોડી પાડવામાં આવી હતી. પ્રાંત અધિકારી સંદિપ જાદવના જણાવ્યા મુજબ, સરકારની આ કામગીરીને સફળ બનાવવા માટે તંત્રના વિવિધ વિભાગોના સહયોગથી કાર્યક્ષેત્રમાં ઉતરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર થયેલી આ પેશકદમીને દૂર કરવાથી સરકારી સંપત્તિનો યોગ્ય ઉપયોગ થઈ શકશે અને ભવિષ્યમાં આવા દબાણોને રોકવા માટે તંત્ર વધુ સજાગ રહેશે.