વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ જગ્યા પર દરોડા
વાંધાજનક દસ્તાવેજો કબ્જે કરાયા, મોબાઈલ ફોન પણ જપ્ત: કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું મળવાની શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓને કંપનીના ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટીના 15 જેટલા અધિકારીઓ-કર્મચારીઓની ટીમ ત્રાટકી હોવાનું જાણવા મળ્યું હતું. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળુંનાણું મળી આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
- Advertisement -
મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા વાઘોડિયા ખાતે આર.આર. કેબલ કંપની આવેલી છે. આ કંપનીમાં અંદાજે 1 હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. આજે વહેલી સવારે 4 ગાડીઓમાં 15 જેટલા આઈટી અધિકારીઓની ટીમ કંપનીમાં પહોંચી હતી અને કંપનીની ઓફિસો ઉપર તપાસ શરૂ કરી હતી. કંપનીની સાથોસાથ અન્ય ટીમ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ ખાતે આવેલ કંપનીની હેડ ઓફિસમાં પણ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. જાણવા મળ્યા મુજબ આજે સવારની ફર્સ્ટ શિફ્ટમાં પહોંચેલા ઓફિસ સ્ટાફના કર્મચારીઓને કંપનીના ગેટ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. અડધો કલાક સુધી કંપનીના ગેટ પાસે રોકી દેવાયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓના મોબાઈલ ફોન જપ્ત કરીને તેઓને એક પછી એક કંપનીના ઓડિટોરિયમમાં બેસાડવામાં આવ્યા હતા.
મળેલી માહિતી પ્રમાણે આઈટીની ટીમ દ્વારા કંપનીની ઓફિસોમાંથી કંપનીમાં થતાં ઉત્પાદન અને વેચાણ અંગેના ડેટા કબજે કર્યા હતા. ઉપરાંત આઈટી વિભાગ દ્વારા કાચા રો-મટિરિયલને લગતા પણ ડેટા મેળવ્યા હતા. આ સાથે કંપની દ્વારા ઓફિસના ઇન્ચાર્જ અધિકારીઓ પાસેથી બેંક એકાઉન્ટોની પણ માહિતી મેળવી હોવાનું વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું. આઈટી વિભાગ દ્વારા કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે.