નાગરિક બેંકમાં 88% વ્યવહારો ડિજિટલ થઇ રહ્યા છે અને તેમાં પણ 60% ઞઙઈંથી થાય છે
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 71મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
સભાસદોને 18% ડિવિડન્ડની જાહેરાત : નેટ એનપીએ ઝીરો : બે બેંકના મર્જરને મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 71મી વાર્ષિક સાધારણ સભા તા. 11ને બુધવારે બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાયેલી હતી અને તેમાં બહોળી સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ‘ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રથમ ક્વાટરમાં આપણે 42.66 કરોડનો નફો નોંધાયેલો છે અને જુલાઇ-ઓગસ્ટ માસમાં પણ નોંધપાત્ર નફો નોંધાયેલો છે. તે બદલ આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. એકંદર આંકડાકીય ઘણીબધી માહિતી રજુ થઇ, જે બેંકની હકારાત્મક પ્રગતિ દર્શાવે છે. હાલ બેંકિંગ ક્ષેત્રમાં પણ સારું વાતાવરણ જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોથી બેંકિંગ ક્ષેત્રમાં મોટો અને મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળે છે અને તે આપણે અનુભવી પણ રહ્યા છીએ, તે છે બેંકિંગ વ્યવહારની પ્રણાલીમાં બદલાવ. આજથી 15 કે 25 વર્ષ પહેલા આપણે વિચારી શકતા પણ નહોતા કે આજના સમયમાં લોકો શાક લેવા જશે કે ચા પીવા જશે ત્યારે ડિજિટલ પેમેન્ટ કરશે. આપણી બેંકની વાત કરીએ તો આપણા ખાતેદારોનો મોટો ભાગ નાના અને મધ્યમવર્ગમાંથી વધુ છે. ઓગસ્ટ મહિનાના દેશભરના યુપીઆઇ વ્યવહારો 14.96 કરોડ નોંધાયેલા છે અર્થાત્ રોજના 50 કરોડ વ્યવહારો યુપીઆઇથી થતા જોવા મળે છે. આ વ્યવહાર માટે વિભિન્ન પેમેન્ટ એપનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. આપણી બેંકની વાત કરીએ તો 88.10 ટકા વ્યવહારો ડિજિટલ થઇ રહ્યા છે અને તેમાં પણ 60 ટકા વ્યવહારો યુપીઆઇના છે. આ એક મહત્ત્વપૂર્ણ બદલાવ બેંકિંગ ક્ષેત્રમાં જોવા મળે છે.’
જીમ્મીભાઇ દક્ષીણીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘લાલબાગ કો-ઓપરેટીવ બેંક લિ.-વડોદરા અને ધ માંડવી મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ.-માંડવી-કચ્છ, એમ બે સહકારી બેંકને આપણી બેંકમાં મર્જકરવા માટે રિઝર્વ બેંક તરફથી મંજૂરી મળી છે. બેંકિંગ ક્ષેત્રમાં સોફટવેરમાં પણ ઘણો બધો બદલાવ જોવા મળે છે. આપણે પણ નવા જમાના સાથે તાલ મિલાવવા, ઇન્ફોસિસ કંપની સાથે તેમના ફિનેકલ સોફટવેર માટે આપણે ટાઇ-અપ ર્ક્યું છે. અન્ય એક વાત, આપણે નફાની વાત જાણી. પરંતુ, આપણે સહુ જેના માટે અહીં સમયદાન આપીએ છીએ તેની વાત કરીએ. આપણે જે કંઇ સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો કરીએ છીએ તેની વાત કરતાં, આપણે સામાજિક ઓડિટ કરીશું અને સમાજના પાંચ શ્રેષ્ઠીઓ પાસે તેનું રેટીંગ પણ કરાવીશું. સહકારી જગતમાં આના દ્વારા નવો બેન્ચમાર્ક આપણે સ્થાપીશું.’
- Advertisement -
બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ કુમાર શર્માએ બેંકની પ્રગતિની વિસ્તૃત માહિતી રજુ કરતાં જણાવ્યું હતું કે, ‘નાણાંકીય વર્ષ 2023-24માં ડિપોઝીટ 6,231 કરોડ, ધિરાણ 3,817 કરોડ, ઇન્વસ્ટમેન્ટ 2,867 કરોડ, ગ્રોસ નફો 133.67 કરોડ, શેર મૂડી 44.41 કરોડ, રિઝર્વ ફંડ 951.96 કરોડ, કુલ સ્વભંડોળ 996.37 કરોડ અને સીઆરએઆર 12 ટકા હોવો જોઇએ તેને બદલે ખૂબ જ સારો અર્થાત 18.25 ટકા નોંધાયેલ છે. સતત ચાર વર્ષથી નેટ એનપીએ ઝીરો છે. પ્રાયોરીટી સેકટરમાં આર.બી.આઇ.ના નિયમ મુજબ 60 ટકા ધિરાણ હોવું જોઇએ તેની સામે આપણે 72.21 ટકા ધિરાણ કર્યું છે. નાના ધિરાણના ખાતાઓ 50 ટકા હોવા જોઇએ તેની સામે આપણે 79 ટકા છે. કુલ સભાસદો 3,37,820 છે. સીડી રેશિયો 61 ટકા છે. ડિજીટલ ચેનલના વ્યવહારો જોઇએ તો, 2,385 કરોડના આઇએમપીએસ, 4,703 કરોડના યુપીઆઇ, 10 કરોડના બીબીપીએસ, 1,828 કરોડના એનઇએફટી-આરટીજીએસ મોબાઇલ એપ થકી, આપણી બેંકના કાર્ડના એટીએમમાં 261 કરોડના વ્યવહારો, આપણી બેંકના કાર્ડના અન્ય બેંકના એટીએમમાં 373 કરોડના વ્યવહારો, અન્ય બેંકના કાર્ડના આપણા એટીએમમાં 111 કરોડના વ્યવહારો, કેશ ડિપોઝીટ મશીનમાં 533 કરોડ જમા થયા અને 20 કરોડના ઇકોમ વ્યવહારો નોંધાયેલા છે.’
આ સભામાં કુલ 10 ઠરાવો રજુ રખાયેલા અને પ્રત્યેક ઠરાવ ચર્ચા-વિચારણાને અંતે સર્વાનુમતે મંજુર થયા હતા.આ સાધારણ સભામાં જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી શૈલેષભાઇ ઠાકર (પૂર્વ ચેરમેન), નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જ્યોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, હંસરાજભાઇ ગજેરા, દીપકભાઇ મકવાણા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણા, હરેશભાઇ ઠક્કર, હસમુખભાઇ હિંડોચા, હર્ષિતભાઇ કાવર, વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ) ઉપરાંત વિશાળ સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. આભાર દર્શન શૈલેષભાઇ ઠાકરે અને સરળ-સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ ર્ક્યું હતું.