30 જૂનથી 5 જુલાઈ વચ્ચે રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની એન્ટ્રી થશે
26 જુનથી રાજકોટમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની સંભાવના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાંની અસરને પગલે અનેક વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. સૌથી વધુ કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ બિપરજોયને પગલે ચોમાસું પણ મોડુ આવવાની સંભાવના વર્તાઈ રહી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં 30 જૂનથી 5 જુલાઈ વચ્ચે ચોમાસુ બેસી જવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સક્રીય થયેલી લો-પ્રેશરની સિસ્ટમ આગળ વધી રહી છે, તેમજ આ સિસ્ટમની અસરથી આગામી ચારથી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત સુધી ચોમાસુ પહોંચે તેવી શક્યતા છે. જેથી આગામી 30 જુનથી લઇને 5 જુલાઇ સુધી રાજકોટ સહિત રાજ્યમાં ચોમાસુ બેસી જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગુરુવારે રાજકોટનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 72 ટકા અને સાંજે 5.30 કલાકે 45 ટકા નોંધાયું હતું. જેથી શહેરમાં વહેલી સવારથી 10 વાગ્યા સુધી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડક રહી હતી, પણ બપોર પછી વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટતાં ગરમી અને બફારામાં વધારો થયો હતો.
- Advertisement -
આગામી 3 દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 37થી 38 ડિગ્રી વચ્ચે રહેશે. ત્યારબાદ ગરમીમાં ક્રમશ વધારો થશે, તેમજ 26 જુનથી રાજકોટમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડી શકે છે.