રાજકોટમાં જાહેર આરોગ્ય સાથે ચેડાં થવાની ગંભીર ઘટના સામે આવી
રૂા.900થી 1700 કિલો મીઠાઇના ભાવ લેવા છતાં ગ્રાહકોને સારી વસ્તુ આપવામાં પણ વેપારીની ખોરી નીતિ !
- Advertisement -
વિડીયો વાઈરલ થતા મનપાના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં તહેવારની મોસમમાં એક તરફ લોકો મીઠાઈ ખાવાના શોખીન હોય છે, ત્યારે બીજી બાજુ રાજકોટમાં જાહેર આરોગ્ય સાથે ચેડાં થવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં યુનિવર્સિટી રોડ નજીક પુષ્કર ધામ ચોક પાસે આવેલ જશોદા ડેરીમાં જીવાતવાળી મીઠાઈઓનું વેચાણ થતું હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગ્રાહકે ડેરીમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત છે. એક ગ્રાહક દુકાનદારને મીઠાઈના ટુકડા તોડીને બતાવે છે, જેમાં જીવાત સ્પષ્ટ દેખાય છે. આ બનાવને પગલે ગ્રાહક તેમજ દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે. ગુસ્સે ભરાયેલા ગ્રાહકે દુકાનદાર પાસે તમામ જીવાતવાળી મીઠાઈનો ઢગલો કરાવીને તેને બહાર ફેંકી દેવાની ફરજ પાડી હતી. ગ્રાહક દ્વારા પોતાની નાની દીકરીએ પણ આ મીઠાઈ ખાધી હોવાનું જણાવીને દુકાનદારની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે દુકાનદાર પોતે મીઠાઈમાંથી જીવાત નીકળી હોવાનો સ્વીકાર કરી અને ગ્રાહક સામે આજીજી કરે છે.
આ મામલે મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા મીઠાઈઓમાં થતી ભેળસેળને રોકવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તહેવારોમાં અખાદ્ય વસ્તુઓનું વેંચાણ અટકાવવા માટે છેલ્લા થોડા દિવસોમાં 40 કરતા વધુ સેમ્પલો પણ લેવામાં આવી ચુક્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયાનાં માધ્યમથી મારી સામે આવ્યો છે. અમારી ટીમ દ્વારા જશોદા ડેરીની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જેમાં મીઠાઈ સહિતની કોઈપણ વસ્તુઓમાં ભેળસેળ હોવાનું કે વાસી હોવાનું સામે આવશે તો આવા તમામ ખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરી નમુના પણ લેવામાં આવશે. તેમજ ભેળસેળ હોવાનું સાબિત થશે તો વેપારીની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે માત્ર નોટિસ કે દંડ નહીં પણ કડક કાર્યવાહી જરૂરી
તહેવારોની સીઝન શરૂ થતાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ચેકિંગ માત્ર એક ઔપચારિકતા હોય તેવું લાગી રહ્યું છે, આ ગંભીર ઘટનાએ વિભાગની કામગીરીની પોલ ખોલી નાખી છે. આરોગ્ય વિભાગે અનેક જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હોવાનું જાહેર કર્યું છે. પરંતુ આ નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ પણ તહેવાર પૂરા થયા પછી જ આવશે. એટલે કે, જ્યાં સુધીમાં રિપોર્ટ આવે ત્યાં સુધીમાં લોકો જે-તે વેપારીની ભેળસેળવાળી કે અખાદ્ય મીઠાઈઓનું સેવન કરી ચૂક્યા હશે. સમયસર રિપોર્ટ નહીં આવવાને કારણે ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ સામે તહેવાર દરમિયાન કોઈ કડક કાર્યવાહી થતી નથી, જેનો સીધો ભોગ સામાન્ય જનતા બની રહી છે.ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા વેપારીઓ સામે માત્ર નોટિસ અને દંડ નહીં પણ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
- Advertisement -