ડીજીપીના આદેશ બાદ અમરેલી જિલ્લા પોલીસ એકશન મોડમાં
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
રાજય પોલીસ વડાએ 100 કલાકમાં અસમાજિક તત્વોની યાદી બનાવવાના આદેશ આપ્યા બાદ અમરેલી પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઇ છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે 100 કલાકમાં માથાભારે ઈસમોની યાદી તૈયાર કરી છે. પોલીસ દ્વારા કુલ 113 વ્યકિતઓની યાદી તૈયાર કરવામાં આવી છે. અમરેલી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર તેમજ શરીર સંબંધી, મિલકત સબંધી, ગેરકાયદેસર માઇનીગ, ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર, સરકારી જમીન પર દબાણ તથા ગેરકાયદેસર વીજ જોડાણ, ગેરકાયદેસર બાંધકામ તેમજ અન્ય વારંવાર ગુન્હા કરતા 113 ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ. આગામી સમયમાં પોલીસ દ્વારા ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂદ્ધ નાગેશ્રી પોલીસ તથા પી.જી.વી.સી.એલ. પોલીસ સ્ટેશન અમરેલી ટીમ અને પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને સાથે રાખી અસામાજિક ઇસમોના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ અંગે તપાસ કરતા ગેરકાયદેસર વીજ જોડાણ મળતા ત્રણ ઈસમો વિરુદ્ધ ગુજરાત ઇલેક્ટ્રીકસીટી એકટ કલમ 135 મુજબ ગુનાઓ દાખલ કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય તથા નાગેશ્રી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. પી.બી.ચાવડા તથા નાગેશ્રી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે.