તંત્રને જાણ કરતા વનવિભાગ દ્વારા રેસક્યું કામગીરી હાથ ધરાઈ
ખાસ-ખબર ન્યૂઝ કોડીનાર, તા.17
- Advertisement -
વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે.ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે.ગીર જંગલ વિસ્તાર માંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે.પરંતુ હવે સિંહો શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા છે.આવી જ એક ઘટના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપનીમાં બની છે.વહેલી સવારે સિંહ પરિવાર કંપનીની નોર્થ કોલોનીમાં આવેલા પ્રસિધ્ધ રાધા કૃષ્ણ મંદિરનાં પાછળનાં ભાગે આવી ચડ્યો હતો. સિંહ, સિંહણ અને 3, બચ્ચાં સાથે સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા હતાં.
કોલોનીમાં અને મંદિર પરિસરમાં સિંહ પરિવારનાં આંટાફેરાની ઘટના સિક્યુરિટી ગાર્ડનાં ધ્યાને આવતાની સાથે કંપની દ્વારા તંત્રને જાણ કરતા વનતંત્ર, પોલીસ અને કંપનીનાં સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસર ને કોર્ડન કરી લીધો હતો.વનતંત્ર દ્વારા સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યું કામગીરી હાથ ધરવામાં આવી છે.જોકે આ સમગ્ર રેસક્યુ દરમિયાન સિંહ અને સિંહણ મંદિરની દીવાલ ટપી પાછળ ખેતરમાં જતા રહ્યા હતા અને ત્રણેય સિંહ બાળો કોલોનીમાં ઘૂસી જતા વન વિભાગ દ્વારા છ કલાક ની સતત જહેમત બાદ બે સિંહ બાળોને નોર્થ કોલોની માંથી સલામત રીતે પાંજરે પૂરી અને અન્ય એક સિંહ બાળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં આવી ચડેલા સિંહ પરિવારને કારણે અહીંની કોલોનીમાં ભયનો માહોલ છવાયો છે.તો સવારના સમયે અફડા તફડી પણ મચી હતી.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રણેય સિંહ બાળ મળી ગયા બાદ તેઓનું મિલન સિંહ પરિવાર સાથે કરાવવામાં આવશે.જોકે એક સિંહ બાળને ગોતવાના સર્ચ ઓપરેશન દરમિયાન કોલોનીમાં રહેતા તમામ પરિવારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે કોઈ અનિષ્ટ ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સલામતી રાખી અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.