વિશેષ:પરેશ રાજગોર
ઓગસ્ટ માસ હોવા છતાં ચચરતા મનની શાંતિ માટે વાત કરવી છે 23 એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસ વિશે….આ દિવસે શહેરની લાઇબ્રેરીઓમાં કેટલા વાચકો છે, કેટલા પુસ્તકો છે અને અન્ય માહિતી જાણીને થોડા ફોટોગ્રાફ પાડીને લેખ લખી વાંચન શોખ કેળવવો જોઈએ એવા લેખો લખાઈ જાય છે! હકીકતે તો લાઇબ્રેરીયન કે પત્રકાર મોટે ભાગે ખુદ પણ ખાસ વાચક હોતા નથી. રાજકોટ શહેરમાં છેલ્લા થોડા વર્ષોમાં સુંદર અને સગવડોથી સભર લાઇબ્રેરીઓ બની છે. તેમાં વાચકો પણ વધ્યા છે પરંતુ, હકીકતે તો તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે. સાચા અર્થમાં જેને વાંચનની ભૂખ છે તેવા લોકો બહુ જૂજ છે. જે ખરેખર વાચકો છે તે અન્યને વાંચન માટે પ્રેરણા આપતા કાર્યોમાં સક્રિય હોય છે, તેવામાંથી અમીન માર્ગ પર આવેલી રોટરી મીડ ટાઉન લાઇબ્રેરીમાં ‘બુક ટોક’કરીને કાર્યક્રમ યોજાતો જેમાં, હર્ષ ઠાકર, તન્વી ગદોયા અભિમન્યુ મોદી જેવા રીડર્સ અને થોડા શ્રોતાઓ મળીને બુક ટોક કરતા હાલ તે પણ બંધ છે અથવા અનિયમિત છે તેમ કહી શકાય.મોબાઈલ અને ઇન્ટરનેટના આ યુગમાં વાંચન ઘટતું ગયું. ગુજરાતનું ગૌરવ ગણી શકાય તેવા નવનીત સમર્પણ અને સફારી જેવા સામયિકો નું વેચાણ પણ તદ્દન ઘટી ગયું છે ચિત્રલેખા અને અભિયાન વગેરે જેવા લોકપ્રિય સામયિકો પણ માત્ર જાહેરાતો ના જોર પર ટકયા છે. રાજકોટની ઐતિહાસિક ધરોહર ગણાય તેવી જાજરમાન લેંગ લાઇબ્રેરી સાવ દયનીય હાલતમાં છે. તેવી જ રીતે રાજકોટની મધ્યમાં આવેલું જિલ્લા પુસ્તકાલય પણ પુસ્તકોના કબ્રસ્તાન જેવું થઈ પડ્યું છે. એક સમયે કવિઓ અને લેખકો ના કાર્યક્રમો થી ધમધમતી લાઇબ્રેરીઓ હવે શૂન્ય ભાસે છે.રાજકોટમાં શ્રોફ રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત લાઇબ્રેરીમાં સુંદર થિયેટર આવેલું છે. જેનો પણ તદ્દન નહિવત ઉપયોગ થઈ રહ્યો છે. જો કોઈ ઉત્સાહી વાચક કે શ્રોતા કાર્યક્રમ યોજે તો પણ વાચકો આવતા નથી. થોડા સમય પહેલા ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ એ ગુજરાતી ભાષા ને બચાવવા માટેનો કાર્યક્રમ યોજેલો. ત્યારે આ લખનારે માંડ માંડ કરીને 150 જેટલા શ્રોતાઓને ભેગા કરેલા.
- Advertisement -
જેના અંતે જમણવાર યોજીને રાજુભાઈએ પોતાની નિષ્ઠા ગુજરાતી ભાષા પ્રત્યે પુરવાર કરેલી.જેમને બચપણથી વાંચનનો શોખ વારસામાં મળ્યો હોય કે ખુદે કેળવ્યો હોય, ઘરમાં પણ પુસ્તકોનો પ્રભાવ હોય તેવા કુટુંબ ગુજરાતી પરિવારમાં બહુ ઓછા જોવા મળે છે. અમારા એક પરિચિત બંગાળી વ્યક્તિએ કહેલું કે, અમને નાનપણથી જે પોકેટમની મળે તેમાંથી પુસ્તકો લેવાની આદત પાડે છે! ગુજરાત માટે આ થોડું અચંબીત થઈ પડે. અમે એ પેઢીના છીએ જેમાં ટીવી અને મોબાઈલ બહુ પાછળથી જીવનમાં આવ્યા, પરિણામે હાલ 30 ઉપરના વ્યક્તિઓમાં ક્યાંક ક્યાંક હજુ પણ પુસ્તકથી જ સમય વ્યતીત કરવો, સાંત્વના મેળવવી, સમજ કેળવવી, ચર્ચા કરવી વગેરે જોવા મળે છે. વાંચન શોખ ને કારણે રાજકોટના થોડા વાંચન પ્રેમી માણસોના સંપર્કમાં આવવા મળ્યું અથવા તેના વિશે જાણવા મળ્યું. જેમ કે અંજલિ બેન રૂપાણી ને રાજકોટની જનતા વિજયભાઈ રૂપાણી ના પત્ની કે સુપર સીએમ તરીકે ભલે ઓળખતી હોય પણ તેઓ એક ખૂબ સારા રીડર છે. શિવાજી સાવંતની કર્ણ પરની મરાઠીમાં લખાયેલી નવલકથા ’મૃત્યુંજય’ મરાઠી અને ગુજરાતી બંનેમાં વાંચનાર તે એકમાત્ર વાચક હશે! રાજકોટની પ્રભાવતી મહિલા લાઇબ્રેરી અને શ્રોફરોડની દતો પંત ઠેંગળી લાઇબ્રેરી ના તેઓ નિયમિત વાચક છે અને ખુદ જ પુસ્તક બદલવા આવે ! મહેશ યાજ્ઞિકે તેઓ વિશે કહેલું કે રાજકારણના કાર્યોમાં આટલા કાર્યરત હોવા છતાં આટલો અદભુત પુસ્તક પ્રેમ ધરાવનાર મહિલા મહિલા ને જોઈ નથી.આવા જ ઉત્તમ વાચક છે વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મનીષભાઈ રાડિયા જેઓ પોતાનું પર્સનલ બુક કલેક્શન પણ વિપુલ માત્રામાં ધરાવે છે. તેઓ ગર્વથી સ્વીકારે છે કે તેઓને વાંચનના સંસ્કાર સ્વ.ચીમનભાઈ શુક્લ પાસેથી મળ્યા છે. સાઠ વર્ષની ઉમર છતાં શરીર – મનથી યુવાન એવા મનીષભાઈ એકી બેઠકે નવું પુસ્તક વાંચી કાઢે છે.પોલીસની કામગીરી અને વાંચન શોખ જાળવી રાખવો એવું રેર કોમ્બિનેશન એટલે હાલ ગીર સોમનાથના એસ.પી. મનોહરસિંહજી જાડેજા. તેમનો વાંચનપ્રેમ એટલો વિશાળ કે તમે તેમની સાથે પાબ્લો નેરૂદાની આત્મકથા હોય કે સુરેશ જોશી કે મધુ રાયનું સાહિત્ય તમામ વિષયો પર ચર્ચા કરી શકો. મોબાઈલ ના આક્રમણ સામે ન ટકી શકી એવી અનેક વસ્તુઓની યાદીમાં પુસ્તકો પણ ખોવાઈ ગયા તો સંસ્કૃતિ અને સંસ્કાર પણ ખોવાઈ જશે.