ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રામલલ્લા અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થયા બાદ સમગ્ર વિશ્ર્વમાં એક અનેરો ઉત્સાહ છે. આગામી તારીખ 17ના રોજ રામનવમીના ઉત્સવને ઉજવવા માટે સમગ્ર હિન્દુ સમાજ થનગની રહ્યો છે, સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને તેની સાથે સંકળાયેલા તમામ આયામોના અધિકારી-પદાધિકારી, કાર્યકર્તાઓમાં ઉત્સાહ ચરમસીમા ઉપર છે ત્યારે રાજકોટમાં વિહિપ તથા રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે એક સુંદર માણવા લાયક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલ સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુના ગ્રાઉન્ડમાં ચાલી રહેલ આ કથા તારીખ 16 એપ્રિલ સુધી ચાલવાની છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ રામકથા દરરોજ બપોરે ત્રણથી સાત સુધી યોજાશે.
આ શ્રીરામ કથાના વક્તા મહંતશ્રી ગાંડાબાપુના મુખેથી સુર અને સંગીતના સથવારે આ રામકથા ચાલી રહી છે. અબાલ, વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને યુવાનો આ રામકથામાં જોડાઈ રહ્યા છે ત્યારે સમસ્ત રાજકોટના શ્રદ્ધાળુઓને લાભ લેવા વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા રાધેશ્યામ ગૌશાળા દ્વારા આમંત્રણ સાથે આહ્વાન કરવામાં આવ્યું છે.
- Advertisement -
જે રામનવમી નિમિત્તે યોજાનાર શોભાયાત્રાના પ્રારંભ સ્થળ એવા નાણાવટી ચોકને અયોધ્યાનગરી જેવા સાજ-શણગાર કરવામાં આવ્યા છે. અવનવી મૂર્તિઓનો જેમની પાસે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ખજાનો છે તેવા રાધેશ્યામબાપુએ સમગ્ર નાણાવટી ચોક ખાતે ગૌમાતા, કાળીયો નાગ, હાથી, સિંહ, વિશાળ કદના મહાદેવ, શ્રી રામ દરબાર, શ્રી કૃષ્ણ, હનુમાનજી, ગણપતિ દાદા તથા દેશભક્તિની ભાવના ઉજાગર કરતી ભારતમાતા, આઝાદીના લડવૈયાઓ, વીર સૈનિકો સહીતની અનેકવિધ મૂર્તિઓને પ્રદર્શની સ્વરૂપમાં નાણાવટી ચોક ખાતે શણગારી હોઈ જેને પ્રજાનો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. રાતના સમયે તો બાળકો સહીતના લોકોના ટોળે-ટોળા આ સ્થળે ઉમટી પડે છે. ફોટા અને સેલ્ફી પાડવા પડાપડી થતી હોઈ છે. આ ફોટા અને સેલ્ફી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આખા ચોકને ધજા, ઝંડી, પતાકા, રોશની, હેલોજન લાઈટથી શણગાર કરવામાં આવ્યો છે. જેને રાહદારીઓનું પણ ધ્યાન આકર્ષિત કર્યું છે.
તા. 17 ને બુધવારના રોજ રામનવમીના દિવસે નાણાવટી ચોક ખાતે સાધુ-સંતો, અગ્રણીઓની હાજરીમાં સવારે 8-00 વાગે ધર્મસભા યોજવામાં આવશે અને ત્યાર બાદ ત્યાંથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે જેના નિયત રૂટ ઉપર શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે જેને નિહાળવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે અને આ શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર અનેક સંસ્થા, મંડળ, ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના વધામણા કરવામાં આવશે અને પાણી, સરબત, છાશ, ફરાળની પણ સુંદર વ્યવસ્થા અનેક યુવા મંડળ, વિસ્તારના શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી છે જે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.