ઝિંઝુવાડિયા પરિવારનાં માતા પ્રજ્ઞાચક્ષુ છે, પિતા અપંગ, મોટો દીકરો માનસિક અસ્થિર… અને આ બધાંનું ગુજરાન ચલાવવા નાનો પુત્ર આશિષ દરરોજ દસ કિલોમીટર પગપાળા કાપીને નોકરી કરે છે, મહિને છ હજાર કમાય છે, માતા-પિતા, ભાઈનું પેટ ભરે છે….
નહીં નળ કનેકશન, નહીં વીજ કનેકશન, નહીં ગેસ કનેકશન, નહીં છત, નહીં બાથરૂમ….
- Advertisement -
એનું જીવન એક ખામોશીભરી ડાયરી છે,
મૂંગી વ્યથાની એક ખતરનાક શાયરી છે
આજનાં યુગમાં તમે રાજકોટ જેવાં શહેરમાં કોઈ એવા પરિવારની કલ્પના કરી શકો જેની પાસે નળ કનેકશન, વીજ કનેકશન, ગેસ કનેકશન, બાથરૂમ, છત… કશું જ ન હોય? રાજકોટમાં આવો જ એક સોની પરિવાર છે- જે 2022માં પણ 1822ની સાલ જેવી દારૂણ જિંદગી વ્યતીત કરી રહ્યો છે. ચાર સભ્યોનાં આ પરિવારનો એકમાત્ર આશરો છે, પુત્ર આશિષ. આ પરિવાર માટે એ શ્રવણથી કમ નથી. કહો કે, શ્રવણથી પણ વિશેષ છે. એનું નામ છે, આશિષ.. જે ઉંમરમાં સામાન્ય યુવાનો જિંદગીને મનભરી માણતા હોય છે, મૌજમજાને જલસા કરતા હોય છે, પિતાના પૈસે લીલાલહેર કરવા મળતા હોય છે તે ઉંમરમાં આશિષ જીવનની મુશ્કેલીઓ અને મથામણોમાં કંઈક એવો મશગુલ બની જીવી રહ્યો છે કે તેનું અંગત જીવન એક અસામાન્ય કહાની સમાન બની ગયું છે. એક પચ્ચીસ વર્ષના યુવાનનું જીવન હોય તેનાથી આશિષનું જીવન તદ્દન વિપરીત અને વિષમ છે.
રાજકોટનાં એક ફટેહાલ પરિવારની હૃદયસ્પર્શી- દર્દનાક દાસ્તાન….
- Advertisement -
આશિષ પોતાના પરિવારમાં સૌથી નાનો છે, છતાં આશિષ પોતાના આખા પરિવારની દેખભાળ રાખે છે. ફક્ત પોતાના પરિવારના સભ્યોને સાચવવા જ નહીં, તેમને બે ટંક ભરપેટ જમાડવાની જવાબદારી પણ આશિષ ઉપાડી રહ્યો છે એ પણ હસતા મોઢે. જોકે આશિષના હસતા મોઢા પાછળ અનેક હાડમારીઓ છૂપાયેલી છે. આશિષ અને તેના પરિવારની વ્યથાભરેલી કથાની વાત કરીએ તો..
આશિષની ઉંમર આશરે 25 વર્ષ.. આશિષ સોની સમાજમાંથી આવે છે, મહાજન સમાજના સંસ્કારોને આશિષ અને તેના પરિવારે મહામુસીબતો વચ્ચે પણ છોડ્યા નથી, કપરી પરિસ્થિતિમાં પણ તેઓ હિંમતથી જીવી રહ્યા છે. એમાં પણ આશિષ કળિયુગી શ્રવણ બનીને પોતાના ઘરડા માતા-પિતા અને અશક્ત મોટાભાઈની સેવા કરી રહ્યો છે. આત્મસન્માન સાચવી આગળ વધી રહ્યો છે. આશિષ અને તેનો પરિવાર એક એવી દારુણ પરિસ્થિતિ વચ્ચે જીવન ગુજારે છે જે દોજખ જેવી છે. સગવડો કોને કહેવાય એ આશિષ કે તેનો પરિવાર જાણતો નથી. આશિષ અને તેનો પરિવાર જે ઓરડીમાં રહે છે તેમાં ટીવી, ફ્રીજ, પંખા તો બહુ દૂરની વાત છે.. લાઈટ, પાણી અને ગેસનો ચૂલો પણ નથી. ચોમાસામાં અહીં વરસાદનું પાણી ટપકે છે, ઉનાળામાં તડકો ડોકિયાં કરે છે અને શિયાળામાં સૂસવાટા મારતો પવન નળીયા ચીરી કમકમાટી છોડાવી નાખે છે. તહેવારો, ઉત્સવો કે પ્રસંગોમાં આશિષ કે તેના પરિવારને મીઠાઈ કે કપડાં નહીં, ફક્ત દાળ-રોટી મળી રહે તો પણ ખુશનસીબી જેવું અનુભવાઈ છે. રિલ લાઈફમાં તો ગરીબી બધાએ જોઈ હશે, રિયલ લાઈફમાં ગરીબી જોવી હોય તો આશિષ અને તેના પરિવારજનોના જીવનમાં ડોકિયું કરવું પડે. આ પરિવારનો એક સભ્ય જાણે દુ:ખ-દુવિધા છે. સોની પરિવારમાં સમસ્યાઓ ઓછી નથી. આશિષનું ઘર રાજકોટનાં સામાકાંઠા વિસ્તારના રાજમોતી મીલ પાસે આવેલા મયૂરનગરમાં આવેલું છે. આ નાનકડા ઝૂંપડામાં છેલ્લા 17 વર્ષથી વીજળી, પાણી કે બાથરૂમ જેવી પાયાની સુવિધા પણ નથી. છતાં આશિષ અને તેનો પરિવાર સંજોગો સામે સર ઝૂકાવ્યા વિના જીવ્યે જાય છે. આ વાત જેટલી વિચિત્ર છે એટલી જ વાસ્તવિક પણ છે અને એટલી જ વેદનાદાયી પણ..
આશિષના પરિવારમાં ચાર વ્યક્તિઓ છે, આશિષના પિતા બાબુભાઈ સોનીને બન્ને પગમાં તકલીફ છે, તેઓ ચાલી શકતા નથી. આશિષના માતા પ્રફુલ્લાબેન સોની અંધ છે, જોઈ શકતા નથી. આશિષનો મોટોભાઈ વિજય માનસિક બિમાર છે. મોટાભાઈ, માતા-પિતાની શારીરિક અને માનસિક બીમારીઓ, ગરીબી પરિસ્થિતિ અને પાયાની સુવિધાઓના અભાવ વચ્ચે બધામાં સૌથી નાનો આશિષ આખા પરિવારની જવાબદારી નિભાવે છે. આશિષ દરરોજ પોતાના ઘરથી આશરે 5 કિલોમીટર ચાલીને વિદ્યાનગર રોડ પર આવેલા ચામુંડા ભોજનાલયમાં વાસણ સાફ કરવા જાય છે. કામ પતાવી ફરી 5 કિલોમીટર ચાલીને પોતાના ઘર આવે છે. આશિષને વાસણ સાફ કરવાના આશરે 200 રૂપિયા રોજ મળે છે. આ રોજમાંથી તે રોજેરોજનું જમવાનું લાવે છે અને જે દિવસે આશિષ વાસણ સાફ કરવા જતો નથી તે દિવસે તેના સહિત તેનો પરિવાર ભૂખ્યો રહે છે. આશિષનો પગાર મહિને 6 હજાર રૂપિયા જેટલો છે અને આ પગારમાંથી આશિષ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આશિષ અને તેના પરિવારજનોની પરિસ્થિતિ અત્યંત કષ્ટદાયક છે. સગવડોના અભાવ વચ્ચે જીવતા આશિષ અને તેના પરિવારને સાથ, સહાય, સહકારની જરૂર છે.
ઝિંઝુવાડિયા પરિવારની વિકટ પરિસ્થિતિનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…
સોની પરિવારને આર્થિક મદદ માટે ‘ખાસ-ખબર’ની અપીલ
ઝિંઝુવાડિયા પરિવાર ખરેખર દારૂણ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. સોની સમાજ અને અન્ય સમાજનાં શ્રેષ્ઠીઓ તેમને મદદ પહોંચાડે તો તેઓ છત, બાથરૂમ, ગેસ, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પામી શકે તેમ છે. સામાન્ય રીતે આ પ્રકારની અપીલ ‘ખાસ-ખબર’ ક્યારેય કરતું નથી. પરંતુ એક અપીલથી જો એક પરિવારનાં જીવનમાં પરિવર્તન આવતું હોય તો તેનાંથી રૂડું બીજું શું હોઈ શકે? સોની પરિવારને મદદ કરવા માટે નીચે બેન્ક ડીટેઈલ આપી રહ્યાં છીએ.
ખાતા નં. : 90298100000749
બેંક : બેંક ઓફ બરોડા, રણછોડનગર
બ્રાન્ચ, રાજકોટ
IF SC : BARBODBRNCH