ખાસ-ખબર સંવાદદાતા
ચીનના પૂર્વ હિસ્સામાં આવેલા જિયાંગ્શી પ્રાંતમાં સર્જાયેલી આગ હોનારતમાં 39 લોકોના મોત થયા છે અને બીજા નવ લોકો ઘાયલ થયા છે. હજી પણ આ ઈમારતમાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક સરકારી ન્યૂઝ એજન્સીએ ફાયર બ્રિગેડના હવાલાથી કહ્યુ હતુ કે, જિયાંગ્શી પ્રાંતના શિન્યૂ શહેરમાં એક દુકાનમાં આગ લાગી હતી. જોત જોતામાં તેણે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ અને સમગ્ર બિલ્ડિંગમાં તે પ્રસરી હતી. જેના કારણે 39 લોકોના મોત થયા છે.
આગનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં બહુમાળી ઈમારતમાંથી ધૂમાડાના ગોટે ગોટા નિકળતા નજરે પડે છે અને સ્થળ પર સેંકડો ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ હાજર દેખાય છે.જે ઈમારતમાં આગ લાગી તેમાં ઈન્ટરનેટ કેફે તેમજ કોચિંગ ઈન્સ્ટિટ્યુટ આવેલા હતા અને તેના કારણે મૃત્યુઆંક વધ્યો છે. ભારતની જેમ ચીનમાં પણ ઈમારતોમાં સુરક્ષાના ધારાધોરણોનુ પાલન કરવામાં પોલમપોલ ચાલતી હોય છે અને તેના કારણે આગ લાગવાની ઘટનાઓ છાશવારે બને છે.
20 જાન્યુઆરીએ ચીનના હેનાના પ્રાંતમાં એક સ્કૂલ હોસ્ટેલમાં આગ લાગી હતી અને તેમાં 13 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ગત વર્ષે નવેમ્બરમાં શાક્સી પ્રાંતની એક ઓફિસમાં આગ લાગવાની ઘટનામાં 26 લોકો મૃત્યુ પામ્યા હતા.