જૂના સ્વાતિપાર્ક પાસે આવેલી સરકારી જમીન પર રાત્રે આવારા તત્ત્વો ગેરપ્રવૃત્તિ કરી રહ્યાની ફરિયાદો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના જૂના સ્વાતિપાર્ક શેરી નં. 1 પાસે આવેલી સરકારની જમીન પર આવારા તત્ત્વોએ પોતાનો અડ્ડો જમાવવા કેબિનો ખડકી દીધી છે ત્યારે રસ્તે આવતી-જતી બહેન-દીકરીઓને ત્યાંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ પ્રશ્ર્ને આ પહેલાં પણ પૂર્વમેયર બીનાબેન આચાર્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી આ પ્રશ્ર્નનો ઉકેલ ન આવતાં આજરોજ ફરી કલેકટર તંત્રને રજૂઆત કરવા લતાવાસીઓ કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા.
રજૂઆત દરમિયાન લતાવાસીઓએ જણાવ્યું કે હાલ જૂનું સ્વાતિપાર્ક શેરી નં. 1 આગળ સાત રસ્તા આવેલા છે જ્યાં સરકારની ખુલ્લી જમીન છે. આ ખુલ્લી જગ્યામાં ગંદકી, કચરો સાથે આવારા તત્ત્વોનો ત્રાસ ખૂબ જ રહે છે ત્યારે અહીં રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું છે તેવું રહેવાસીઓએ જણાવ્યું હતું. વધુમાં સ્ટ્રીટ લાઈટનો પણ અભાવ છે. આ ખુલ્લા મેદાનમાં રાતના સમયે આવારા તત્ત્વો અડ્ડો જમાવી ગુંડાકીય પ્રવૃત્તિ કરે છે અને હાલ આ જગ્યા પર એક ઝુંપડપટ્ટી છે ઉપરાંત કેબિનો ખડકી દીધી છે તેમજ કેબિનોના માલિક દ્વારા કેબિન ન હટાવવાની દાદાગીરી કરી રહ્યા હોવાની ફરિયાદ લતાવાસીઓમાં ઉઠવા પામી છે. આ અંગે ઘટતું કરવા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.