જેટકોએ નુકસાનીના વળતરની લેખિત બાહેંધરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના માનસર ગામે જેટકો 400 કેવી સબ સ્ટેશનમાં જેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા છાંટવામાં આવેલ નિંદામણ નાશક દવાથી શરુઆતમાં થોડી અસર જોવા મળી હતી પરંતુ દિવસો વિતતા હાલમાં 200 થી વધારે વીઘામાં ખેડુતોને કપાસ અને દાડમના પાકમાં નુકસાન થયું છેજેથી કરીને વળતર બાબતે જેટકોના અધિકારીઓને રજૂઆત કરતાં ખેડૂતોની રજૂઆત જેટકોએ ધ્યાનમાં નહીં લેતાં આખરે માનસર ગામના ખેડૂતોએ ધરણાં પર ઉતરી જવાનો નિર્ણય કર્યો હતો જેમાં પ્રથમ દિવસે રાજકીય નેતાઓ સાથે અધિકારીઓની ચર્ચા થઈ હતી પરંતુ યોગ્ય નિરાકરણ નહીં આવતા આખરે બીજાં દિવસે બપોર બાદ વળતર અંગે નિષ્કર્ષ નિકળ્યો હતો જેમાં ખેતીવાડી શાખા સર્વે કરીને આંકડો આપશે તે મુજબ ખેડૂત ખાતેદારને વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી અને જેટકો દ્વારા લેખિત બાંહેધરી પણ આપવામાં આવી હતી.
- Advertisement -
આ સમગ્ર બનાવમાં પ્રતિબંધિત નિંદામણ નાશકનો છંટકાવ કર્યાની ખેડૂતો રજૂઆત કરી રહ્યાં હતાં અને નિંદામણ નાશકના બિલો પણ અલગ રજૂ કરીને સમગ્ર ઘટના પર પડદો પાડવા જેટકોએ મરણિયા પ્રયાસ કર્યા હતા પરંતુ ખેડુતોની માંગ આખરે સ્વીકાર કરવામાં આવી છે અને વળતર ચુકવવામાં આવશે તેવી લેખિતમાં બાંહેધરી આપી હતી પરંતુ કેટલાં દિવસોમાં વળતર આપશે ? કેવી રીતે આપશે ? વીઘા દીઠ કેટલું આપશે ? અને સમય જતાં નુકસાન વધશે તો ખેડુતોને વળતર મળશે કે કેમ ? આ બધાં પ્રશ્નો ઉભા છે અને આવનારા દિવસોમાં ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો ફરી આંદોલનના એંધાણ છે. આમ જો અને તો વચ્ચે માનસર ગામે ખેડૂતો સાથે જેટકોના અધિકારીઓનું સમાધાન થયું છે. માનસર ગામે જેટકોના અધિકારીઓ સાથેની બેઠકમાં એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ પટેલ, ઘનશ્યામભાઈ ગોહિલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.