ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
આગામી સ્વતંત્રતા દિવસ, 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે વંથલી ખાતે એક ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
ડો. આંબેડકર ચોકથી શરૂ થયેલી આ પદયાત્રા મેઈન બજાર થઈને નગરપાલિકા સુધી પહોંચી હતી. ડીજેના સથવારે દેશભક્તિનાં ગીતો અને ’ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ યાત્રામાં જોડાયેલા લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ગર્વભેર ચાલતા હતા, જેણે દેશપ્રેમનો અનોખો માહોલ સર્જ્યો હતો. આ તિરંગા યાત્રાએ સ્વતંત્રતા પર્વની ઉજવણીનો ઉત્સાહ વધાર્યો અને નાગરિકોમાં રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવી.



