આશરે બે કિલોમીટર લાંબી યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં 12મી ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ જિલ્લા વહીવટી તંત્રે વ્યક્ત કર્યો છે. આ યાત્રા માટે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
- Advertisement -
રાજકોટ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા યાત્રાના આયોજન માટે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વિવિધ જીઆઈડીસીના એસોશિએશન્સ, સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંગઠનો, વિવિધ યુનિવર્સિટી, શાળાઓ તેમજ કોલેજના પ્રતિનિધિઓ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં પ્રતિનિધિ જોડાયા હતા. આ મિટિંગમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ’હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 12મી ઓગસ્ટે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. બહુમાળી ભવન ચોક ખાતે સવારે 8 કલાકથી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે. બાદમાં સવારે 9 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાની શરૂઆત થશે. મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ યાત્રાનું સમાપન થશે.
આઝાદી મળ્યાના આટલા વર્ષો સુધી આઝાદી દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ બની રહેતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવી ઉજવણી આજે આઝાદીના અમૃત મહોત્સવ- રાષ્ટ્રીય તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગથી ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા હર ઘર તિરંગા અભિયાનમાં આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવથી પર જઈને આ પર્વમાં હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યો છે તેમ જણાવતા ભાજપના સૌરાષ્ટ્રનાં પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આગામી તા. 12નાં રોજ રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં યોજાનારી ત્રિરંગા યાત્રામાં ઉમંગ અને ઉત્સાહ ભેર જોડાવા રાજકોટવાસીઓને અપીલ કરી છે. રાજુ ધ્રુવે જણાવ્યું છે કે, અત્યારે ભારત સરકારે આ 75 મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે.દેશના સપુત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની મહાન સંસ્કૃતિ, સભ્યતા અને ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે. પવનમાં લહેરાતો આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની સ્વતંત્રતા દર્શાવે છે. આ ધ્વજ આપણા દેશના નાગરિકોની આઝાદીની સાથે અંગ્રેજોના જુલમમાંથી મુક્ત થવા પર આપણા અને આપણા દેશવાસીઓનું ગૌરવ છે. આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો -તત્વો મહત્વના છે, જે આપણા દેશની અખંડિતતા, એકતા અને બહાદુરી દર્શાવે છે.
આવો સૌ સાથે મળી ઐતિહાસિક ત્રિરંગા યાત્રામાં જોડાઈએ : રાજુ ધ્રુવ
- Advertisement -
ભારતને આઝાદી મળ્યા પછીના છેલ્લા 75 વર્ષોમાં દેશે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આપણા દેશે વિજ્ઞાન અને ટેક્નોલોજી, તબીબી વિજ્ઞાન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પ્રચંડ પ્રગતિ કરી છે. આ5ણે હવે વિકાસના ક્ષેત્રે ખૂબ જ ઉચ્ચ સ્થાને છીએ અને તેની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આમ, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી એ એવી વસ્તુ છે કે જેમાં દરેક ભારતીય નાગરિકે ભાગ લેવો જોઈએ અને ખૂબ જ ગર્વ અનુભવવો જોઈએ.
રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની અદભુત ઐતિહાસિક તિરંગાયાત્રા ખરા અર્થ માં શહીદો,ક્રાંતિકારીઓ,આઝાદીના લડવૈયાઓ,સત્યાગ્રહીઓ,આંદોલનકારીઓને ભાવાંજલિરૂપ બની રહેશે. આ મહાન સપૂતોના ત્યાગ,તપસ્યા અને બલિદાનનો આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી દ્વારા ઋણસ્વીકાર કરવામાં આવશે. રાજકોટ આઝાદી પૂર્વે અને આઝાદી પછી પણ અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે ત્યારે આગામી તા. 12મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અગ્રણીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારી ત્રિરંગા યાત્રા પણ ઐતિહાસિક બની રહેશે. તેમણે આ ત્રિરંગા યાત્રામાં જોડાવા રાજકોટવાસીઓ-સૌરાષ્ટ્રવાસીઓને અનુરોધ કર્યો છે.
તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરાશે
આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ, પોલીસ બેન્ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાશે. આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરશે.
તિરંગા યાત્રાને લઈ શહેરના કેટલાક રૂટ પર વાહનો માટે પ્રવેશબંધી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી યાત્રા શહેરમાં નીકળશે.આ તિરંગા યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે. આ રૂટ પર કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વાહનો માટ પ્રવેશ બંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. જેમાં પોલીસ હેડ ક્વાર્ટર સર્કલથી બહુમાળી ભવન-જિલ્લા પંચાયતથી યાજ્ઞિક રોડ, હરીભાઈ હોલ, રાડીયા બંગલા ચોકથી માલવિયા ચોક સુધીના રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ જાહેર કરાયું છે. પોલીસ હેડ ક્વાર્ટરથી બહુમાળી ભવન ચોક તરફ જવું હશે તો જુની એન.સી.સી. ચોકથી કિશાનપરા અને ચિન્નોઈ માર્ગથી ટ્રાફિક શાખા તરફ જઈ શકશે. જ્યારે ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે શ્રોફ રોડથી ટ્રાફિક શાખા પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ તરફથી જઈ શકાશે. સર્કીટ હાઉસ આઉટ ગેટ આકાશવાણી રોડથી ગેલેક્સી 12 માળ બિલ્ડીંગ તરફ જવા માટે પ્રવેશબંધી, ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોક-કિશાનપરા ચોક તરફ જવા માટે લોકોએ ચાણક્ય બિલ્ડીંગથી શ્રોફ રોડ અને ત્યાંથી પોલીસ હેડ ક્વાર્ટરથી જઈ શકાશે. કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત અને ફૂલછાબ ચોક તરફ જવા માટે લોકોએ મેયર બંગલાથી જુની એન.સી.સી. ચોક તરફથી જઈ શકશે. જ્યારે ભીલવાસ ચોકથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ વાહનો માટે પ્રવેશબંધી છે આ તમામ વાહનો ફૂલછાબ ચોક ચાણક્ય બિલ્ડીંગ ચોક, શ્રોફ રોડથી ટ્રાફિક શાખા, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ તરફ જઈ શકશે. તથા મોટી ટાંકી ચોક, લીમડા ચોક, માલવીયા ચોક, ગોંડલ રોડથી લોધાવાડ ચોક, મંગળા રોડથી ટાગોર રોડ મહિલા અંડર બ્રિજ તરફ જઈ શકશે. આ સિવાય મહાકાળી રોડ જાગનાથ પ્લોટથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે લોકોએ મહિલા કોલેજ અંડર બ્રિજથી ટાગોર રોડ તરફ જઈ શકશે. રાજમંદિર ફાસ્ટફૂડ ચોકથી દસ્તુર માર્ગ યાજ્ઞિક રોડ ટી પોઈન્ટ તરફ જવા માટે વિરાણી ચોકથી ટાગોર રોડ લેલન ટી પોઈન્ટથી ગોંડલ રોડ, લોધાવાડ ચોક, ત્રિકોણબાગ તરફ જઈ શકશે. મોટી ટાંકી ચોક જીમખાના રોડથી રાડીયા બંગલા ચોક તરફ જવા માટે તમામ વાહનો લીમડા ચોક, માલવિયા ચોક, ગોંડલ રોડ, લોધાવાડ ચોક, મંગળા રોડથી ટાગોર રોડ મહિલા અંડરબ્રિજ તરફ જઈ શકાશે. જ્યારે વિદ્યાનગર મેઈન રોડ જસાણી કોલેજથી રાડીયા બંગલા ચોક તરફ જવા માટે મંગળા રોડથી લોધાવાડ ચોક માલવિયા ચોક તરફ જઈ શકાશે.