સાંસ્કૃતિક કાર્યક્રમ, ગીતો અને પોલીસ બેન્ડથી દેશભક્તિનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ શહેરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહાઉદ્દીન કોલેજથી શરૂ થયેલી આ યાત્રા કૃષિ યુનિવર્સિટી સુધી પહોંચી હતી, જ્યાં દેશભક્તિનો અનેરો માહોલ છવાઈ ગયો હતો.
આ યાત્રાની શરૂઆત જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મેયર ધર્મેશ પોશીયા, ડે. મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવી ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના પદાધિકારીઓ અને ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સહીત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને કરવામાં આવી હતી.
- Advertisement -
યાત્રા પહેલાં બહાઉદ્દીન કોલેજ ખાતે દેશભક્તિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ગાયકો અને પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતો અને ધૂન રજૂ કરવામાં આવ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, હોમગાર્ડઝ, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ જવાનો અને વેપારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક આયોજિત આ યાત્રાના અંતે સૌએ દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ યાત્રાએ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બનાવી હતી.



