4532 ઘરેથી સવા મુઠ્ઠી ખિચડી એકત્રિત કરી મહાપ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાશે: વિશેષ મહાનુભાવોની હાજરી રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી માંધાતા ગ્રુપ – ગુજરાત અને કોળી સેનાના સંયુક્ત ઉપક્રમે શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે તા. 14 ને રવિવારે સવારે 7 કલાકે શોભાયાત્રા, બપોરે 11-30 કલાકે જ્ઞાતિભોજનનું આયોજન માંધાતા પાર્ટી પ્લોટ, ભગવતપરા મેઈન રોડ, ગોંડલ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અક્ષર મંદિર ગોંડલના કોઠારી સ્વામી, દિવ્યપુરુષ સ્વામી તથા મહામંડલેશ્ર્વર 1008 ઋષિભારતીબાપુ, સરખેજ આશ્રમ, અમદાવાદ તથા ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ મહારાજ ઉપસ્થિત રહી બધાને આર્શિવચન આપશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે તેમજ ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ ગોંડલ નગરપાલિકાના પૂર્વપ્રમુખ ચંદુભાઈ ડાભી આગેવાનો તેમજ સંતો-મહંતો આ કાર્યક્રમમાં હાજરી આપશે. તા. 14 ને રવિવારના રોજ સવારે 7-00 કલાકે ઈષ્ટદેવ શ્રી માંધાતાની ભવ્ય શોભાયાત્રા શ્રી માંધાતા પાર્ટી પ્લોટ, ભગવતપરા મેઈન રોડ ગોંડલ ખાતેથી પ્રારંભ થઈને ઘોઘાવદર ચોક, પટેલવાડી, સેન્ટ્રલ ટોકીઝ, માંડવી ચોક, મોટી બજાર, પાંજરાપોળ, ફૂલવાડી, માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહુતિ થશે. મહત્ત્વનું છે કે 4532 ઘરેથી સવા મુઠી ખીચડી એકત્રિત કરી જેનો ઉપયોગ મહાપ્રસાદ તરીકે કરવામાં આવશે. સાથોસાથ આ તમામ કુટુંબની એક દિવસની આવક આ ઉત્સવમાં ઉપયોગી બની રહી છે. છેલ્લાં 16 વર્ષથી ગોંડલમાં કોળી સમાજના આગેવાન ભુપતભાઈ ડાભી અને પૂર્વનગરપતિ ચંદુભાઈ ડાભી, મહેશ જી. કોલીના માર્ગદર્શન નીચે ઉજવાતા આ પ્રાગટ્ય મહોત્સવમાં આ વર્ષે યોજાનારી આ ભવ્ય શોભાયાત્રામાં 2000 જેટલા બાઈક, 300 જેટલી મોટરકાર અને શ્રી માંધાતા દેવ, વેલનાથ, વિરાંગના જલકારીબાઈ, વિર તાનાજીના જીવનચરિત્રને રજૂ કરતાં 15 જેટલા ભવ્ય સુશોભિત રથ પણ આ શોભાયાત્રાની શોભા વધારશે. આ શોભાયાત્રામાં રાજ્યભરમાંથી તેમજ ભારતભરમાંથી 35 હજાર જેટલા કોળી સદસ્યો ઉપસ્થિત રહેનાર છે. ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવતાં વિનોદભાઈ નાગાણી, દેવાંગભાઈ, રઘુભાઈ ડાભી, અજય ડાભી, મેહુલ જીંજુવાડીયા સહિતના સભ્યો આવ્યા હતા.