મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના સાથે અન્ય રાજ્યોમાંથી ભાજપના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે
તા. 3થી 12 સુધી મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું ભવ્ય આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, મોટામંદિર, લીંબડી ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 3થી 12 દરમિયાન મોરારીબાપુના વ્યાસાસને રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ દરરોજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા ડાયરો, લોકસાહિત્ય, હાસ્ય સંમેલન અને સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લીંબડી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ એક યાદીમાં જણાવ્યું હતું કે ભારતીય સનાતન સંસ્કૃતિની ધરોહર વૈષ્ણવ પરંપરાની પાવન અનાદિવૈદિક પરંપરામાં શ્રી નિમ્બાર્ક સંપ્રદાય અતિપ્રાચીન છે. આ સંપ્રદાયને 5119 વર્ષ પૂરા થયા છે અને એ જ પરંપરાના વટવૃક્ષની એક ડાળ શ્રી છોટેકાશી લીંબડીમાં શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ, મોટા મંદિર લીંબડી તરીકે જગત પ્રસિદ્ધ છે. તા. 12-2ના રોજ બપોરે 12-39 કલાકે વિજય મુર્હૂતમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી નિમ્બાર્ક પ્રવાહી પરંપરાનું આ મહાપર્વ (સમૈયો) ઉજવવામાં આવશે તથા સનાતન ધર્મના જ્યોર્તિધર સમાન ભારતીય સનાતન સંસ્કૃતિના વિભિન્ન પ્રદેશના આચાર્યો, જગદ્ગુરુઓ, સંતો, મહંતો, મહામંડલેશ્ર્વરો એવં વરિષ્ઠ રાજસત્તાના મહાનુભાવોની હાજરીમાં ઉત્સવ ઉજવવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને રામકથાનું દિવ્ય અને ભવ્ય આયોજન જેમાં વિવિધ પ્રસંગની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે તેમજ વિરાટ સંત સભા મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ત્રિદિનાત્મક 1111 કુંડી વિષ્ણુ મહાયાગ તા. 10, 11 અને 12 ફેબ્રુઆરી 2024 સુધી યોજાશે. જેના આચાર્યપદે લાલાભાઈ શાસ્ત્રી અને દિવ્યકાંતભાઈ શાસ્ત્રી રહેશે. આ કાર્યક્રમના મનોરથી તરીકે ઝવેરીભાઈ ઝવેરી, ત્રિભુવન ભીમજી ઝવેરી, લીંબડી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, મનસુખલાલ જવેલર્સ, વિદેહી ઈન્વેસ્ટમેન્ટ, શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, શિવપ્રભા રીયલ એસ્ટેટ પ્રા. લિ., ડો. જગદીશભાઈ ત્રિવેદી પરિવાર, જગદીશભાઈ મકવાણા, અરવિંદભાઈ સોની ઉપરાંત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ રામકથા યજ્ઞમાં સૌરાષ્ટ્રભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહેશે અને સૌરાષ્ટ્રવાસીઓને આ કથાનો લાભ લેવા શ્રી સ્વયંભૂ ચતુર્ભુજ નારાયણ ભગવાનના દાસાનુદાસ મહંત મહામંડલેશ્ર્વર 1008 શ્રી લલિતકિશોરશરણ ગુુરુશ્રી 1008 બાલકૃષ્ણદાસજી મહારાજ, શ્રી મોટા મંદિર ટ્રસ્ટી ગણ અને શ્રી મોટા મંદિર સેવા સમિતિ, લીંબડીની યાદીમાં જણાવ્યું હતું. આ મંદિરમાં આર્કિટેક્ટ વિરેન્દ્રભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના સાથે ગુજરાત સરકારના મંત્રીમંડળને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સંગઠન મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ રત્નાકરજી, મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ રજનીભાઈ પટેલ તેમજ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ અને સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સર્વે સાંસદો, ધારાસભ્યો, મહાનુભાવો તરીકેની પ્રેરક ઉપસ્થિત રહેવાની હોય તમામ મહાનુભાવોને લીંબડી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ જે. કે. ગ્રુપના જયંતીલાલ સરધારા, બિપીનભાઈ ખાંડલા હાજરી આપશે.