રેસકોર્સ સ્થિત શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે રૂપાણી પરિવારની હાજરીમાં
સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના વરદહસ્તે બે દિવસીય તસવીર પ્રદર્શન ખુલ્લું મૂકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના અનમોલ રતન સ્વ. વિજયભાઈ રૂપાણી હવે આપણી સાથે સદેહે નથી, યાદો અમર છે અને હંમેશા આપણી સાથે રહેશે. તેઓએ રાજકોટ સહિત ગુજરાતના વિકાસમાં આપેલા અમૂલ્ય યોગદાનનું ઋણ ચૂકવવા એમની ગૌરવવંતી જીવનયાત્રાની વિવિધ તસવીરોનું અનોખું પ્રદર્શન આગામી તા. 2-3 ઓગસ્ટ (શનિવાર, રવિવાર)ના રોજ સવારે 10થી રાત્રે 8 કલાક સુધી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ, રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં ફોટો જર્નાલિસ્ટ દેવેન અમરેલીયાએ દિવંગત સ્વ. વિજયભાઈની જીવનની જાણી-અજાણી, ચિત-પરિચિત, સુલભ-દુર્લભ ક્ષણોની અવિસ્મરણીય હારમાળા જોવા મળશે.
સરળ અને નિખાલસ સ્વભાવથી સૌને ગમે એવા મુઠ્ઠી ઊંચેરા માનવી પૂર્વમુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં, દેશ-દુનિયામાં એક અનોખી છબી અંકિત કરી ગયા છે, જે ક્યારેય વિસરી શકાય એમ નથી. તેઓ ગુજરાતના વિકાસના શિલ્પી હતા. ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિકાસ સ્વપ્ન સિદ્ધ કરવામાં સ્વ. વિજયભાઈ રૂપાણીનો સિંહફાળો હતો. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને ભારત દેશનું જ નહીં વિશ્ર્વનું વિકાસ મોડેલ બનાવ્યું હતું.
લોકહૃદય સમ્રાટ સ્વ. વિજયભાઈ રૂપાણીની ગૌરવવંતી જીવનયાત્રાની રાજકોટના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ દેવેન અમરેલીયાએ કેમેરાની આંખે કંડારીને સર્જેલી અવિસ્મરણીય ક્ષણોની ચુનંદા તસવીરોનું બેનમૂન પ્રદર્શન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણા વિજયભાઈની જિંદગીના અવનવા રંગો ઝીલાશે. સ્વ. વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ પ્રસંગે જ આગામી તા. 2 ઓગસ્ટ ને શનિવારે સવારે 9-00 વાગ્યે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના વરદહસ્તે રાજકોટનાં આંગણે રેસકોર્સ સ્થિત શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે બે દિવસીય તસવીર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. આ તકે સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી તથા પુત્ર ઋષભભાઈ રૂપાણી અને પુત્રી રાધિકાબેન મિશ્રા પણ હાજરી આપશે. આ સાથે અતિથિવિશેષ તરીકે સાંસદ રામભાઈ મોકરીયા અને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે. જનહિત માટે જીવન સમર્પિત કરી દેનાર લોકનેતા સ્વ. વિજયભાઈ રૂપાણીને ચિરસ્મરણીય ભાવાંજલિ આપવાના ફોટો જર્નાલિસ્ટ દેવેન અમરેલીયાના સ્તુત્ય પ્રયાસને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ બિરદાવીને સરાહના કરી છે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે દેવેન અમરેલીયા, રમેશ ટંકારીયા, સંદીપ બગથરીયા, દિલીપ ગોહેલ આવ્યા હતા.
દેવેન અમરેલીયા એટલે દ્રશ્યોના જાદુગર, એમની એક-એક ક્લિક જીવનનું જીવંત પિક્ચર હોય છે!
છેલ્લા ત્રણ દાયકાથી પત્રકારત્વ જગત સાથે અતૂટ નાતો ધરાવતા રાજકોટના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ દેવેન અમરેલીયાને દ્રશ્યોના જાદુગર માનવામાં આવે છે. એમની એક-એક ક્લિક જીવનનું જીવંત પિક્ચર હોય છે. પંખીઓની સાથે તેના કલરવને કે પછી નદીઓ સાથે તેના ખળ-ખળ નાદને પણ તસવીરોમાં ભરી લેવા મથતા ફોટો જર્નાલિસ્ટ દેવેન અમરેલીયા અખબારી જગતમાં જેટલા જાણીતા છે એટલા જ લોકપ્રિય છે. તેમની આંખોમાં પુરું વિશ્ર્વ ફિક્સ થાય છે. લાગણીઓના લેન્સથી જ્યારે એ એંગલ સેટ કરે છે ત્યારે ક્લિક થવાની સાથે જ અદ્ભુત તસવીરોનું સર્જન થાય છે. સામાન્ય લોકોની વચ્ચે રહીને અસામાન્ય તસવીરો લેતાં દેવેન અમરેલીયાએ લીધેલી પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની જીવનયાત્રાની બેનમૂન તસવીરોમાં તેમની ગૌરવગાથાના ઘણા યાદગાર પૃષ્ટો રિવાઈન્ડ થવાના છે. રાજકોટ માટે આ અનેરો પ્રસંગ છે. જે ખરેખર આપણા પોતીકા સ્વ. વિજયભાઈ રૂપાણીને એક સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.