રાવરાણી-ચાવડા પરિવારના સુરાપુરા ભૂરાબાપાનો દસમો તિથિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જીલ્લાના વડિયા તાલુકાના ઢોળવા પાજ ખાતે રાવરાણી-ચાવડા પરીવારના પ્રેરણાસ્ત્રોત પૂજ્ય સુરાપુરા ભૂરાબાપાના દસમો તિથિ મહોત્સવ નિમિત્તે બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 ઑક્ટોબર 2025ના રોજ સાંજે ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકપ્રિય કલાકાર તથા લોકસાહિત્યકાર હરેશદાન ગઢવી, પ્રફુલભાઈ બગથળીયા, ભરતભાઈ બારોટ અને સુપ્રસિદ્ધ લોકગાયિકા બિંદિયાબેન સોલંકીએ ભૂરાબાપાના ગુણગાન ગાઈને સમગ્ર માહોલ ભક્તિમય અને ભાવનાત્મક બનાવી દીધો હતો.
રાવરાણી ચાવડા પરીવારના સભ્યોએ પૈસાનો ધોધ વરસાવ્યો હતો. કાર્યક્રમમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, લંડન તેમજ અમેરિકા જેવા દેશો અને શહેરોમાંથી રાવરાણી-ચાવડા પરીવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરા દરમિયાન વડિયા મઢ વતી રમેશભાઈ અને કિશોરભાઈ દ્વારા સ્વ. દુધિબેન હંસરાજભાઈ રાવરાણી અને સ્વ. ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાવરાણીના અવિસ્મરણીય કાર્યો અને સમાજ પ્રત્યેના યોગદાનને માન આપતાં મરણોત્તર પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વડિયા મઢ વતી રમેશભાઈ તેમજ કિશોરભાઈનું પરીવારજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનકાર્યમાં પરીવારના કાળુભાઈ રાવરાણી, મણીભાઈ રાવરાણી, ગાંડુભાઈ રાવરાણી, રાજુભાઈ ચાવડા તેમજ પત્રકાર કમલેશ રાવરાણી સુલતાનપુરએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પરીવાર દ્વારા પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. 29 ઑક્ટોબર 2025ના રોજ ભૂરાબાપાના સ્મરણાર્થે હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનના મુખ્ય યજમાન તરીકે તુષારભાઈ કિરીટભાઈ રાવરાણી (વડિયા, હાલ રાજકોટ) યજ્ઞકર્મ નિભાવ્યું હતું. હવન બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં અંદાજે 300થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાંજના તેમજ બપોરના જમણવારના દાતા તરીકે કિશોરભાઈ રાવરાણી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે પરીવારના તમામ સભ્યોએ તન-મન-ધનથી સેવા આપી હતી. કાર્યક્રમના અંતે રમેશભાઈ અને કિશોરભાઈએ તમામ સહયોગીઓને તથા ઉપસ્થિત પરીવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.



 
                                 
                              
        

 
         
        