બાઈક રેલીનું સામાજિક સંસ્થા, વિવિધ ગ્રુપો તેમજ યજમાન પરિવાર દ્વારા ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં તા. 27 ડિસેમ્બર 2025થી તા. 2 જાન્યુઆરી 2026 સુધી શ્રી હનુમાનચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપક્રમે રવિવાર તા. 21 બપોરના 3 કલાકે શહેરમાં છ સ્થળેથી લાંબી નિમંત્રણ બાઈક રેલી યોજાશે. જેમાં રેલીના રૂટ ઉપર આવતા મંદિરો તેમજ જાહેર માર્ગો ઉપર વિવિધ સ્થળોએ નિમંત્રણ રેલીનું ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવશે. શ્રી હનુમાનચાલીસા યુવા કથાના નિમંત્રણ માટે શહેરના છ સ્થળો પરથી રેલીનું પ્રસ્થાન થશે. જેમાં સર્વોદય સ્કૂલ 80 ફૂટ રોડ, સૈયાજી હોટેલ રોડ, સેટેલાઈટ ચોક, ન્યુએરા સ્કૂલ, શણગાર હોલ -હુડકો તેમજ કર્ણાવતી સ્કૂલ રેલનગર સ્થળેથી એકસાથે અલગ-અલગ રાજમાર્ગો થઈને રેસકોર્સ સુધીની ભવ્ય બાઈક રેલી નીકળશે. આ નિમંત્રણ રેલી સાંજે 7 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે.
નિમંત્રણ રેલીમાં ડીજેના તાલ અને હનુમાનજીના રથ ઉપર પુષ્પવર્ષા થશે તેમજ શ્રી હનુમાનચાલીસા યુવા કથાના યજમાનો પણ બાઈક રેલીનું વાજતે-ગાજતે સ્વાગત કરશે. આ બાઈક રેલીનું ઠેર-ઠેર શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવા જોડાવા માટે આહ્વાન છે.
અલગ અલગ સંસ્થાઓ જેવી કે હનુમાન મિત્ર મંડળ, બાલક હનુમાન મંદિર, રણછોડ મંદિર સહિતના વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા બાઈક અને નિમંત્રણ રેલીનું ફૂલહાર દ્વારા સ્વાગત થશે. બાઈક રેલીના રૂટમાં આવનારી તમામ સ્કૂલો દ્વારા પણ રેલીનું સ્વાગત કરવામાં આવશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના શિક્ષકો અને સ્વયંસેવકો દ્વારા નિમંત્રણ રેલીના સ્વાગતમાં જોડાશે.



