પૂજાબાપુ ગૌશાળાના લાભાર્થે રૂદ્રગણ ગ્રુપ દ્વારા સાત દિવસીય મેળાની તૈયારીઓ પૂરજોશમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજુલા શહેરમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂદ્રગણ ગ્રુપ દ્વારા આયોજિત આ લોકમેળો પૂજાબાપુ ગૌશાળાના લાભાર્થે યોજાઈ રહ્યો છે. મેળામાંથી થતી તમામ આવક ગૌશાળા અને મોક્ષધામમાં દાન કરવામાં આવે છે. આ ગૌશાળામાં અંધ, અપંગ અને કેન્સરગ્રસ્ત ગાયોની સેવા કરવામાં આવે છે.
આ વર્ષે પણ માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં આ લોકમેળો યોજાશે. મેળાનું આયોજન 12 ઓગસ્ટ, 2025 (મંગળવાર) થી 18 ઓગસ્ટ, 2025 (સોમવાર) સુધી એટલે કે કુલ સાત દિવસ માટે કરવામાં આવ્યું છે. લોકમેળામાં મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ, ખાણી-પીણીના સ્ટોલ, અને કલાત્મક શણગાર સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે. હાલ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ આયોજનને સફળ બનાવવા માટે ઉદયભાઈ ધાખડા, વનરાજભાઈ ધાખડા, ધવલભાઈ દુધરેજીયા, જતીનભાઈ દુધરેજીયા, જીતેન્દ્રભાઈ મશરુ સહિતના રૂદ્રગણ ગ્રુપના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.



