ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.10
રાજુલા તાલુકાના કુંભારીયા ગામના નિલેશભાઇ પ્રવિણભાઇ સાંખટ જેઓ સાત મહિનાથી ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ બલાડ માતાજીના મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતાં. ત્યારબાદ નાની બાળાઓ દ્વારા સમૈયા કરવામાં આવ્યા હતાં. ગ્રામજનો દ્વારા આર્મી જવાન નિલેશભાઇ સાંખટને ધોડે સવારી તેમજ ડીજેના તાલ સાથે ભવ્ય રેલીનુ આયોજન કરાયું. તેમજ ગ્રામજનો દ્વારા આર્મી જવાનને ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવેલ. સાથોસાથ કુંભારીયા ગામના સરપંચ ભરતભાઇ રાદડીયા દ્વારા પણ આર્મી જવાન નિલેશભાઇને ફુલહાર પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. કુંભારીયા ગામે દિવાળી જેવો માહોલ છવાયો હતો અને ગ્રામજનોમા ખુશી જોવા મળી હતી. આ તકે કુંભારીયા ગામ સરપંચ ભરતભાઇ રાદડીયા, જીતેન્દ્રભાઇ સાંખટ, ભરતભાઇ જોષી તેમજ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામા ગ્રામજનો હાજર રહ્યા હતાં.
રાજુલાના કુંભારીયા ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો



