રિહર્સલમાં ઐતિહાસિક પ્રસંગો નૃત્યનાટિકામાં મંચ પર જીવંત થઈ ઉઠ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 26 જાન્યુઆરી જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ, 25મી જાન્યુઆરીએ સાંજે યોજાનારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રૂંવાડા બેઠા કરી દેતા જૂનાગઢની ધરાના ઐતિહાસિક પ્રસંગો નૃત્યનાટિકામાં મંચ પર જીવંત થઈ ઉઠ્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારા આ ગ્રાન્ડ રિહર્સલ કરાયું હતું.
જૂનાગઢ તથા સોરઠની સંસ્કૃતિ, લોકજીવન સહિતની વિશેષતાઓને ગૌરવમય રીતે ઉજાગર કરતી નૃત્ય નાટિકા ’સોરઠ ધરા સોહામણી’નું મંચન થયું ત્યારે લોકો જાણે એ કાળમાં પહોંચીને ઘટના નિહાળતા હોય એવું તાદશ્ય મંચન કરવામાં આવ્યું હતું. આ સાથે નરસિંહ મહેતાની ભક્તિ તેમજ જૂનાગઢની આઝાદી માટે રચાયેલી આરઝી હકૂમત અને તેની લડાઈના પ્રસંગો પણ નૃત્યનાટિકામાં મંચ પર જીવંત થયા હતા.