સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો યોગ અભ્યાસુઓને લીંબુ શરબત પીવડાવી ગ્લુકોઝ યુક્ત બિસ્કીટ વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.22
- Advertisement -
10 આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ તેની ઉજવણી યોગની વિવિધ મુદ્રાઓ, આસનોના અભ્યાસ દ્વારા કરવામાં આવી હતી. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક અને પ્રથમ એવાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે અરબી સમુદ્રની લહેરો વચ્ચે ખુશનૂમા વાતાવરણ વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછારની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં યોગાભ્યાસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગ અભ્યાસુ યોગાસનો કરે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાઈ તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે.
ત્યારે આજરોજ જ્યારે 10’ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હજારોની સંખ્યામાં યોગ અભ્યાસુઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોગ અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા અનુસાર પ્રત્યેક યોગ અભ્યાસુ ને ઠંડું લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું હતું. તેમજ યોગ અભ્યાસ કરવા આવેલ શાળાના બાળકો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્લુકોઝ યુક્ત બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.