કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આગેવાનીમાં જનસાગર ઉમટ્યો
અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પોરબંદરની અનોખી શ્રદ્ધાંજલિ
- Advertisement -
8 કી.મીની પદયાત્રામાં ઠેર ઠેર સંસ્થાઓએ એકતા પદયાત્રા અને મહાનુભાવોનું સ્વાગત કરી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા પદયાત્રા યોજાઈ. ચોપાટી ખાતે ગાંધી સ્મૃતિ ભવનથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. પદયાત્રાને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ લીલી ઝંડી આપી અને પદયાત્રામાં જોડાઈ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. પદયાત્રામાં પોરબંદરના નાગરિકો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક મંડળો અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. તિરંગા અને રાષ્ટ્રપ્રેમના જયઘોષ સાથે શહેરમાં દેશભક્તીનો ઉમળકો જોવા મળ્યો હતો.
- Advertisement -
મંત્રીઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત એકતા, આત્મનિર્ભરતા અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. સરદાર પટેલે 562 રજવાડાઓને ભેળવી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું જે દેશ માટે અવિસ્મરણીય યોગદાન છે. જો સરદાર સાહેબ ન હોત તો આજે અખંડ ભારતની કલ્પના શક્ય ન હોત.
આઠ કિલોમીટર લાંબી પદયાત્રા ચોપાટીથી કલેક્ટર બંગલો, પેરેડાઈઝ સર્કલ, હાર્મની સર્કલ, એમ.જી. રોડ, સુદામા ચોક, ડ્રીમલેન્ડ સિનેમા, માણેક ચોક, કીર્તિ મંદિર, શીતળા ચોક, સરદાર પટેલ રોડ, ભાવના ડેરી, હનુમાન ગુફા અને રેલવે સ્ટેશન સર્કલ સુધી યોજાઈ હતી. પદયાત્રામાં વિવિધ પાત્રોના જીવંત પાત્રભાવ પણ ખાસ આકર્ષણ રહ્યા હતા જેમાં સરદાર પટેલ, મહાત્મા ગાંધી, શહીદ ભગતસિંહ અને રાણી લક્ષ્મીબાઈ જેવા પાત્રોનો સમાવેશ હતો.
આ પદયાત્રામાં સાંદિપની વિદ્યા નિકેતન, નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન, ગ્રીન પોરબંદર, ઉંઈઈં, સંસ્કાર ભારતી, ખાદિ ભંડાર, અંજુમન ઇસ્લામ, ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંસ્થાઓએ જોડાઈ સ્વાગત કર્યું. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી, પ્રભારી પ્રદીપ ખીમાણી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર એસ.ડી. ધાનાણી, ડીડીઓ બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને અન્ય અધિકારીઓ પદયાત્રામાં ઉપસ્થિત રહ્યા. પોરબંદરમાં યોજાયેલી આ પદયાત્રાએ સરદાર પટેલના એકતા સંદેશને જનજન સુધી પહોંચાડ્યો હતો.બી.બી ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, અધિક કલેકટર જે.બી. વદર, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ડીવાયએસપી સુરજિત મહેડુ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ અને પોરબંદર શહેરના નાગરિકો સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ જોડાયા હતા.



