ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
શહેરમાં હવે કોઈ વ્યક્તિ અકસ્માત સર્જે અને પછી મદદ કરવાનું કહી હોસ્પિટલે લઈ જવાનું જણાવે તો ચેતજો કારણકે હવે નવી ગેંગ સક્રિય થઈ છે એક પ્રૌઢ સાથે બાઇક અથડાવી રિક્ષામાં હોસ્પિટલે લઈ જવાનું કહી બેસાડ્યા બાદ ચાલુ રિક્ષાએ ચેનની ચીલઝડપ કરી નાસી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના કરણપરામાં રહેતા અને સોનીકામ કરતા વેણુગોપાલ શ્યામલાલભાઇ સોની ઉ.52એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.14ના પોતે તથા તેનો પુત્ર પ્રિયાંશ ઉ.20 ખરીદી કરવા બાઇક પર નીકળ્યા હતા અને ઘરથી થોડે દૂર પહોંચ્યા હતા ત્યારે કેવડાવાડી તરફથી ટ્રિપલસવારી બાઇક ધસી આવ્યું હતું અને બાઇકચાલકે અકસ્માત સર્જ્યો હતો.
- Advertisement -
અકસ્માતમાં વેણુગોપાલ અને તેનો પુત્ર બાઇક પરથી ફંગોળાયા હતા વેણુગોપાલને પગમાં ઇજા થઇ હતી અકસ્માત સર્જનાર બાઇકચાલકે વેણુગોપાલને થયેલી ઇજામાં હોસ્પિટલનો ખર્ચ આપશે તેવી વાત કરી બાઇકચાલકના સાથીદારો રિક્ષા લઇ આવ્યા હતા અને તેમાં વેણુગોપાલ, તેનો પુત્ર પ્રિયાંશ તથા અકસ્માત કરનાર બાઇકચાલક બેઠા હતા અને જી.ટી.શેઠ હોસ્પિટલે જવા નીકળ્યા હતા.
રિક્ષા ત્રિકોણબાગ નજીક પહોંચી હતી અને ટ્રાફિકને કારણે રિક્ષા ધીમી પડતાં જ અકસ્માત કરનાર શખ્સે પોતાનો હાથ લાંબો કરી રિક્ષામાં બાજુમાં બેઠેલા વેણુગોપાલે પહેરેલો સોનાનો ચેઇન આંચકી લીધો હતો અને સોનાનો ચેઇન હાથમાં આવતાં જ તે શખ્સ ચાલુ રિક્ષામાંથી કૂદકો મારી નાસી ગયો હતો ચીલઝડપને પગલે વેણુગોપાલ સ્તબ્ધ થઇ ગયા હતા પરંતુ તેમના પગમાં ઇજા થઇ હોવાથી તેઓ પહેલા હોસ્પિટલે પહોંચ્યા હતા અને સારવાર બાદ રજા મળતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.