ફૂડ વિભાગમાં ફરિયાદ થતા ‘આઘાતજનક’ જવાબ : ‘ઓફિસનો ટાઈમ પુરો થઈ ગયો છે, સોમવારે આવજો
હિંમતનગરનાં પ્રેમપુરામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોપાલ કંપનીનાં ગાંઠિયાનાં પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી હોવાનો ગંભીર આરોપ કરાયો છે. ઉંદરડી જોતા માતાને ઉલટી થઈ હતી જ્યારે દીકરીને ઝાડા થતાં સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં રિપોર્ટ કરાવતા પોઇઝન આવ્યું હોવાનું જણાયું હતું.
- Advertisement -
બીજી તરફ આ અંગે ફરિયાદ કરતા સેલ્સમેને પડીકું બદલી આપવાનું કહ્યું હતું જ્યારે ફૂડ વિભાગે તો ‘ઓફિસનો સયમ પૂરો થયો છે’ તેવો જવાબ આપ્યો હતો. આરોપ અનુસાર, સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરનાં પ્રેમપુરામાં રહેતા એક પરિવારે ગામની દુકાનમાંથી ગોપાલ કંપનીનું 500 ગ્રામ ગાંઠિયાનું પેકેટ લીધું હતું. ગાંઠિયાનું પેકેટ ખોલીને બાળકીને ખાવા માટે આપ્યું હતું. દરમિયાન, બાળકીની માતાએ પેકેટમાં હાથ નાંખતા તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી આવી હતી. આ જોઈ માતાને ઉલટી થઈ હતી, જ્યારે બાળકીને ઝાડા થયા હતા. આથી, પિતા બાળકીને સારવાર અર્થે દાવડ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. બાળકીનાં રિપોર્ટમાં પોઇઝન હોવાનું જણાયું હતું.
આરોપ મુજબ, આ અંગે જ્યારે બાળકીનાં પિતાએ દુકાનદારને જાણ કરી તો સેલ્સમેનને બોલાવ્યો હતો. ત્યાર બાદ સેલ્સમેન આવ્યો અને પડીકું બદલી આપવાની વાત કરી હતી. જો કે, બાળકીનાં પિતાએ પડીકું નહીં પણ કાર્યવાહી કરવાની વાત કરી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, આ મામલે જ્યારે સ્થાનિક ફૂડ વિભાગને જાણ કરાઈ તો વિભાગનાં અધિકારીએ ‘ઓફિસનો સમય પૂરો થયો છે, સોમવારે પડીકું લઈને ઓફિસ આવજો’ તેવો જવાબ આપ્યો હોવાની વાત સામે આવી છે. આ મામલે બાળકીનાં પરિવારે કાર્યવાહીની માગ કરી છે.