અયોધ્યા રામમંદિર જેવી જ આબેહૂબ 100ડ્ઢ65 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરાશે
મહોત્સવની તૈયારીઓને અપાઈ રહેલા આખરી ઓપની સમીક્ષા કરતું શહેર ભાજપ
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યાના નિજમંદિર ખાતે શ્રીરામ પુન: બિરાજમાન થઇ રહ્યા છે ત્યારે રાજકોટ મધ્યે ‘રામમેદાન’ ખાતે ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ પાંચ દિવસીય દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે મહોત્સવની તૈયારીઓને અપાઈ રહેલા આખરી ઓપની સમીક્ષા કરવા શહેર ભાજપની આખી ટીમ પધારી હતી.
આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લાનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે તેવા સમયમાં રાજકોટ મધ્યે અયોધ્યા રામમંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા મેળવવાનો શુભ અવસર ધર્મપ્રેમીઓ માટે સાંપડ્યો છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આપણા ભારત રાષ્ટ્રમાં અયોધ્યાનગરી કે જેની સાથે કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે ત્યાં આગામી તા. 22 જાન્યુઆરી 2024ના રોજ મર્યાદા પુરુષોતમ શ્રીરામ બિરાજીત થવા જઈ રહ્યા છે. હાલ અયોધ્યાનગરી મધ્યે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ ઘડીની વાટ આખું રાષ્ટ્ર જોઈ રહ્યું છે. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવની તૈયારીઓ આખા દેશમાં ચાલી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં તા. 17 જાન્યુઆરી 2024થી 22 જાન્યુઆરી સુધી શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા પણ એક ભવ્ય મહોત્સવનું ‘રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવનાર છે.
મહોત્સવની તૈયારીઓને જયારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ પૂજાબેન પટેલ, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, માધવભાઈ ભટ્ટ, શહેર ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, મયુરભાઈ શાહ સહિતના હોદેદારોએ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
દિવ્ય અને ભવ્ય મહોત્સવના ભાગરૂપે રાજકોટ ખાતે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા-રામ મંદિર જેવી આબેહૂબ 10065 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિની ઊંચાઈ 35 ફૂટ જેટલી રાખવામાં આવી છે.
જે મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મુકવામાં આવનાર છે જેના દર્શન કરી રાજકોટની ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવી શકશે, ઉપરાંત મંદિર પટાંગણમાં અયોધ્યાનગરીના જોવાલાયક તેમજ દર્શન કરવા લાયક મુખ્ય ફ્લોટ્સ લોકોને મંત્રમુગ્ધ કરી દેશે.