ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.25
પોરબંદરમાં ગઈકાલે બુધવારે બપોરના સમયે બોખીરા હાઇવે પર આવેલ સુગર એન સ્પાઈસ રેસ્ટોરન્ટના હોલમાં એસીમા શોટ સર્કિટના કારણે આગ લાગી હતી.
- Advertisement -
ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા 15 હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોરબંદરના બોખીરા હાઇવે પર સુગર એન સ્પાઈસ નામની રેસ્ટોરન્ટ આવેલ છે અને ઉપરના ભાગે હોલ બનાવવામાં આવ્યો છે જે ભાડે આપવામા આવે છે. ગઈકાલે બપોરે 12 વાગ્યા બાદ હોલના એસીમાં શોટ સર્કિટ થવાને કારણે આગ પ્રસરી હતી અને ધૂમાડા ઉઠ્યા હતા. જેથી સામે નેવી ટીમને આ અંગેની જાણ થતા નેવીના ફાયર ફાઇટર દ્વારા નેવી ટીમે આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને બાદ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતા તમામ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે 15 હજાર લિટર પાણીનો મારો ચલાવી અડધી કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
ઉલ્લેખનીય છેકે, આગ લાગવાને કારણે હોલની છત બળીને ખાક થઈ હતી તો ગેલેરી સહિતને પણ આગના કારણે નુકશાન થયું હતું. હોલ ભાડે ન હતો જેથી સદનશીબે જાનહાની ટળી હતી.