સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
લહુલહાન નઝારો કા ઝિક્ર આયા તો શરીફ લોગ ઉઠે દૂર જકે બેઠ ગયે.
– દુષ્યંત કુમાર
- Advertisement -
હમણાં આપણા દેશનો ગણતંત્ર દિવસ આવશે એટલે ત્યારે વિવિધ ચેનલો પર દેશભક્તિ પરની ફિલ્મોનો મારો ચાલશે. મોટેભાગે બધી જ ચેનલો અમુકતમુક ચીલાચાલુ ફિલ્મો જ બતાવતા હોય છે પણ આજે વાત કરવી છે એક ઓફબીટ ફિલ્મની. દેશભક્તિ પર ઘણી મૂવી બની ચૂકી છે/ બનતી રહે છે. તેમાંય જાસૂસો અને મુખબિરો પર બોલિવુડમાં અને હોલિવૂડમાં પુષ્કળ પિકચરો બન્યા છે. સાવ ઝાકમઝાળ ધરાવતી બોન્ડ ધ મિશન ઈમ્પોસિબલ સિરીઝ કે અહીંની એક થા ટાઈગર, પઠાણ જેવી ઘણી ફિલ્મો છે. જાસૂસોની દુનિયા ફિલ્મોમાં બતાવે એવી રંગીન નથી હોતી, તેમાં પણ ઘણા બધા લેયર હોય છે.બધા જાસૂસો સિક્સપેક ધરાવતા કે હેન્ડસમ નથી હોતા. બલ્કે, વાસ્તવિકતા સાવ વિરૂદ્ધ હોય શકે. દેખાવમાં સાવ સામાન્ય, કમજોર અને નિસ્તેજ લાગતા પણ ચપળ અને ખંધા માણસો જાસૂસ બનવાઅતે વધુ યોગ્ય છે. મેઈનસ્ટ્રીમ ફિલ્મોમાં સ્પાય વિશે અમુક હદ સુધી વાસ્તવિક નિરૂપણ એક ડી-ડે ફિલ્મમાં જોયું હતું. તેના સિવાય આપણા જમ ખંભાળિયાના હીરો સમીર દત્તાણીની મુખબિર ફિલ્મ યાદ આવે છે. પણ મને ગુપ્તચરો અને ખાસ કરીને દુશ્મનોની વચ્ચે રહીને માહિતી પહોચાડતા જાણભેદુઓ વિશે આ ફિલ્મ મસ્ત અને મસ્ટ વોચ લાગી. હાર્ડ હિટિંગ ફિલ્મો માટે જાણીતા ગોવિંદ નિહલાનીએ આ ફિલ્મ દિગ્દર્શિત કરી છે. મુખ્ય ભૂમિકામાં ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, મિતા વશિષ્ઠ, આશિષ વિદ્યાર્થી છે. મુખબિરોએ કેવી માનસિક શારીરિક તથા સામાજિક તકલીફોમાંથી પસાર થવું પડે તેનું સાવ જમીની વર્ણન આમાં છે. દેશભક્તિની વાતો કરવી સહેલી છે પણ ઘણીવાર ટુ બી કે નોટ ટુ બી ની હેમલેટિયન અવસ્થામાં પલ્લું પોતાના હિત તરફ પણ ઝૂકી શકે અને દેશભક્તિને પસંદ કરી તો તેની અત્યંત ઊંચી કિંમત ચૂકવવી પડે છે. આ ફિલ્મ એટલે પણ વિશેષ છે કે આપણા સૌના ફેવરિટ મનોજ બાજપેયીએ આમાં એક મિનિટનો નાનકડો રોલ કર્યો છે કે જે બોલિવુડમાં તેમને મળેલો પહેલો બ્રેક હતો. ફિલ્મમાં ઘણીબધી સૂક્ષ્મ બાબતો કથાપ્રવાહ સાથે સહજરીતે વણી લીધી છે. દેશદ્રોહી કહેવાતા માણસો પણ અંતે તો પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવતા હોય એ કે લોકોના માનસમાં રૂઢ એવી માન્યતાથી વિપરીત સેનાના જવાનોની લેવિશ લાઇફસ્ટાઇલ હોય – બધું જ વાસ્તવિકરીતે દર્શાવેલું છે. અંતે ફિલ્મો કલાઈમેક્સ તો અદ્ભુત છે કે ફિલ્મના ટાઈટલને બરોબર ન્યાય આપે છે. આ બાબત બહુ જ ઓછી બોલિવુડની ફિલ્મોમાં જોવા મળી છે. આ ફિલ્મ હાઈલી અંડરરેટેડ છે. ત્યાં સુધી કે અર્ધ સત્યની હજી ચર્ચા થાય છે પણ આ મૂવી વિશે ક્યાંય જોવા કે સાંભળવા મળતું નથી. આમ ઓનલાઇન ખાંખાખોળા કરતાં જ અલપઝલપ આ ફિલ્મ યુટ્યુબ પર મળી અને જોઈ નાખેલી. લગભગ હજી પણ ત્યાં જોવા મળશે જ. બધાને 76મા ગણતંત્ર દિનની હાર્દિક શુભકામનાઓ.
પૂર્ણાહુતિ:
બીકતે તો સભી હૈ, કુછ પૈસો
સે તો કુછ જઝબાતો સે.
(આ ફિલ્મની જેમ જ જાસૂસોના જીવન પર આધારિત અને વધુ કોમર્શિયલ ફિલ્મ ડિ-ડેમાં દાઉદ બનેલા રિશી કપૂરનો એક સંવાદ.)