ઊનામાં દીપડાએ હુમલો કરતાં જ વૃદ્ધે દાતરડું ઝીંકી દીધું: દીપડો પહેલાં વૃદ્ધ પર ત્રાટક્યો, દીકરો બચાવવા પડ્યો તો તેના પર હુમલો કર્યો
દીપડાના જડબામાંથી દીકરાને છોડાવવા માટે પિતાનો મહાસંગ્રામ
- Advertisement -
ગંભીર રીતે ઘાયલ પિતા-પુત્ર સારવારમાં
ખાસ-ખબર ન્યૂઝ ઊના
ઊના તાલુકાના ગાંગડા ગામની સીમમાં મોડીરાત્રે કાળજું કંપાવી દે એેવી ઘટના બની હતી. વન્ય જીવ અને મનુષ્ય વચ્ચેના સંઘર્ષમાં એક પિતાએ પોતાના પુત્રનો જીવ બચાવવા માટે હિંસક દીપડા સામે બાથ ભીડી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા ગત રાત્રે પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા. આ સમયે અંધારાનો લાભ લઈને એક હિંસક દીપડો ત્યાં ત્રાટક્યો હતો અને સીધો બાબુભાઈ પર હુમલો કરી દીધો હતો.
પિતાની ચીસાચીસ સાંભળીને તેઊનો 27 વર્ષીય પુત્ર શાર્દૂલભાઈ તરત જ રૂમની બહાર દોડી આવ્યો હતો. દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દૂલ પર જીવલેણ હુમલો કરતાં સ્થિતિ ગંભીર બની હતી.
પોતાના પુત્રને દીપડાના જડબાંમાં જોઈને પિતા બાબુભાઈએ જીવની પરવા કર્યા વગર વળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું. તેમણે ઘર પાસે પડેલા ભાલા અને દાતરડા જેવાં હથિયારો વડે દીપડા પર જોરદાર પ્રહાર કર્યા હતા. આ લોહિયાળ જંગમાં અંતે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત પિતા બાબુભાઈ વાજાએ હોસ્પિટલમાં સમગ્ર ઘટના વર્ણવતાં કહ્યું – હું રાત્રે ઓસરીમાં સૂતો હતો ત્યારે દીપડો આવ્યો હતો. મેં એેને ભગાડવા હાકલ કરી તો મારી સામે થયો અને મારા પર હુમલો કર્યો અને મને પોતાની બાથમાં ભીડી દીધો. મેં મારા દીકરાને બોલાવવા બૂમો પાડી. દીકરો આવતાં દીપડાએ મને મૂકીને મારા દીકરા પર હુમલો કર્યો. મેં દીકરાને છોડાવવા પ્રયાસ કર્યા તો દીપડાએ ફરી મારા પર હુમલો કર્યો. આ ઘણીવાર ચાલ્યું. પછી મેં દીપડાને દાતરડું મારી દીધું અને લાકડીએથી માર્યો. ઘટના બાદ વન વિભાગને જાણ કરી હતી.
હુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ઊનાની સરકારી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આઘેડ પિતા બાબુભાઈને ગંભીર ઇજા પહોંચતાં શરીરમાં અલગ અલગ જગ્યાએ 50થી વધુ ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે.
- Advertisement -
વન વિભાગે હથિયારો કબજે કરી દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો
ઘટનાની જાણ થતાં જ જસાધાર આર.એફ.ઓ. એલ.બી. ભરવાડ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વન વિભાગે દીપડાનો મૃતદેહ અને હુમલામાં વપરાયેલાં હથિયારો કબજે કર્યાં છે. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. શાર્દુલ બાબુભાઈ વાજા પર વનવિભાગે વન્ય પ્રાણીનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઊના પંથકમાં સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારવાની આ પ્રથમ ઘટના હોવાનું ઊનાય છે, જેના કારણે સમગ્ર પંથકમાં આ સાહસિક પિતાની ચર્ચા થઈ રહી છે.



