ખેડૂતને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ પણ મળી ચૂક્યો છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
- Advertisement -
વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ લાભુભાઈ ગોહિલ 10 એકર જમીનમાં દેશી લીંબુની દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, “પ્રાકૃતિક કૃષિ અંગે જિલ્લાનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા વિભાગ દ્વારા યોજાયેલ પ્રાકૃતિક કૃષિ સેમિનારમાં માર્ગદર્શન મેળવ્યું અને ખેતરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું નક્કી કર્યું. આ માટે આત્મા કચેરી દ્વારા યોજાતી તાલીમમાં સહભાગી થયા. યોગ્ય તાલીમ મેળવી અને તેઓની 10 એકર જમીન ઉપર મુખ્ય પાક તરીકે 1300 જેટલા રોપાઓનું વાવેતર કર્યું. આંતરપાક તરીકે ચીકુ અને જામફળના રોપાઓનું વાવેતર કર્યું, જેથી જમીનની ગુણવત્તા જળવાઈ રહે. લીંબુની બાગાયત ખેતી અપનાવી પાકમાં ડ્રીપ ઈરીગેશનથી જ પિયત કરી છે. દેશી ગાય આધારિત જીવામૃત, ઘનજીવામૃત, મિશ્રપાક પધ્ધતિ, આચ્છાદન, વાફ્સા જેવી પધ્ધતિ અપનાવવાથી લીંબુની ગુણવત્તામાં ખુબજ ફાયદો થયો. જમીનની ભૌતિક અને જૈવિક સ્થિતિમાં ફેરફાર થયો છે. વરસાદનું પાણી ખેતર બહાર નીકળતું નથી. અસંખ્ય અળશિયાઓએ તેઓના ખેતરની જમીનને ફળદ્રુપ બનાવી છે.
રમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજકોટ, ધોળકા, ભાવનગર, દ્વારકા સહીતના જિલ્લાઓમાં પણ લીંબુનું વેચાણ કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી રાસાયણિક ખેતી ત્યજીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી પહેલાની સરખામણીએ ખુબ સારી આવક મેળવી રહ્યા છે. ચાર દેશી ગાયની મદદથી સફળ ખેતી કરી વર્ષે અંદાજીત રૂ.10 લાખનો નફો મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. રમેશભાઈ રોગ-જીવાતના નિયંત્રણ માટે લીંબુ, ગૌમૂત્ર, લીમડો, આંકડો આધારિત જંતુનાશક દવા જાતે જ બનાવીને ખેતરમાં ઉપયોગ કરે છે. તેઓ છજઘઈઅનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ પણ ધરાવે છે. સાથે જ આત્મા ગુજરાત દ્વારા બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ 2020-21 તેમજ સબ-મિશન ઓન એગ્રિકલચર એક્ષટેન્શન દ્વારા પ્રશસ્તિપત્ર પણ એનાયત પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેવામાં રમેશભાઈ દ્વારા અન્ય ખેડૂતો પણ ગાય આધારિત ખેતી થકી સમૃદ્ધ થાય તેવી અપીલ કરવામાં આવી છે.