રાજકોટમાં મહિલાની હત્યા તેના પતિએ નહીં કૌટુંબિક ભત્રીજાએ કરી હતી
ગુનાઇત ઇતિહાસ ધરાવતા ભત્રીજો બનાવ બાદ ગાયબ હોઇ શંકા ઊપજી અને પોલીસે વડોદરાથી દબોચી લીધો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના જામનગર રોડ પર શિવસાગર પાર્કમાં ગત બુધવારે મહિલાની તેના જ ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી હતી. યુનિવર્સિટી પોલીસે પતિની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસને આ હત્યામાં પ્રથમથી જ પતિ ઉપર શંકા હતી જેથી તેને ઉઠાવી લઈ પૂછતાછ કરતાં એક સમયે તેણે હત્યાની કબૂલાત પણ આપી દીધી હતી પરંતુ અન્ય ટીમની તપાસમાં મૃતકનો કૌટુંબિક ભત્રીજો શંકાના પરિઘમાં આવતા નવો વળાંક આવ્યો હતો જેમાં પ્રેમિકાને ફરવા લઈ જવા માટે પૈસા ન હોવાથી બનાવના દિવસે લૂંટના ઈરાદે તે તેના કૌટુંબિક કાકીના મકાનમાં ઘૂસ્યો હતો. જો કે તેના કાકી જાગી જતા કાતરથી તેની હત્યા કરી રોકડ રકમ અને એક સોનાનો ચેઈન મળી કુલ 60,000ની મતાની લૂંટ કરી હતી. આરોપી શખ્સ તેની પ્રેમિકાને લઈને વડોદરા સુધી પહોંચી ગયો હતો જો કે પોલીસે ત્યાંથી દબોચી લીધો હતો. શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેન અલ્પેશભાઈ વરૂ (ઉ.વ.35)ની તેના જ ઘરમાંથી ગત તા. 14-02ના રોજ લોહીથી લથબથ હાલતમાં લાશ મળી હતી. પોલીસે અનેકવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. જો કે કોઇ કડી મળી ન હતી પરંતુ ચોરી કરવાની ટેવવાળા અને જે મહિલાની હત્યા થઈ હતી તે હેમાલીબેનના કૌટુંબિક ભત્રીજા અને શિવસાગર પાર્કમાં જ રહેતો પ્રેમ જેઠવા બનાવના દિવસથી લાપતા હતો. આથી પોલીસે પ્રેમ જેઠવા ક્યા છે તે અંગેની વિગતો મેળવવાનું શરૂ કર્યું હતું દરમિયાન પોલીસને એવી હકીકત મળી હતી કે પ્રેમ જેઠવા તેની પ્રેમિકાના કહેવાથી બહારગામ ફરવા જવા માંગતો હતો પરંતુ તેની પાસે પૈસા ન હતા જો કે પ્રેમિકાએ પૈસાનો બંદોબસ્ત કરવાનું કહેતા પ્રેમ જેઠવાએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ગત બુધવારે તે તેની શેરીમાં જ રહેતા કૌટુંબિક કાકી હેમાલીબેનના ઘરમાં ઘૂસ્યો હતો. જો કે આ સમયે હેમાલીબેન જાગી જતા પોતે પકડાઈ જશે અને નામ જાહેર થઈ જશે તેવા ડરથી ઘરમાં જ પડેલી કાતર વડે હેમાલીબેનની હત્યા કરી નાખી હતી અને ઘરમાં પડેલા રોકડા રૂપિયા તેમજ એક સોનાનો ચેઈન લૂંટીને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પ્રેમિકાને લઈને અમદાવાદ થઈ વડોદરા પહોંચ્યો હતો. જો કે આ સમયે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને ઝડપી લીધો હતો હેમાલીબેન વરૂની હત્યા થઈ તે દિવસથી જ તેનો પતિ અલ્પેશ શંકાના દાયરામાં હતો. પોલીસે તેની અનેક વખત ઉલટ પૂછપરછ કરી હતી પરંતુ હત્યાના મૂળ સુધી પહોંચી શકાય તેવી એક પણ કડી મળી ન હતી. હેમાલીબેનની 3 વર્ષની પુત્રી ઘરમાં જ હતી ત્યારે પુત્રીની હાજરીમાં પતિ તેની પત્નીની હત્યા કરી નાખે તે સહિતના અનેક મુદ્દા ઉપસ્થિત થયા હતા પરંતુ પોલીસને કોઈ સ્પષ્ટ માહિતી મળી ન હતી. એક તબક્કે તો અલ્પેશે જ તેના પત્નીની હત્યા કર્યાનું બિનસત્તાવાર રીતે જાહેર પણ કરી દેવાયું હતું.