ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં રવિવારે સાંજના સમયે જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ઝુલતા પુલ ઉપરથી પસાર થતાં ઘણા બધા લોકો પુલની સાથે જ નીચે મચ્છુ નદીના પટમાં પટકાયા હતા તથા નદીના પાણીમાં ડૂબી જવાના કારણે અને ઝુલતા પુલના કાટમાળની નીચે દબાઈ જવાના કારણે સત્તાવાર રીતે 130 કરતા વધુ લોકોના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે જેમાં ઘણા બધા પરિવારોનો માળો વિખાઈ ગયો છે તેવું કહીએ તો તેમા જરાપણ અતિશ્યોક્તિ નથી. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં યુવતીની સગાઈના પ્રસંગ માટે થઈને ઘરમાં ખુશીનો માહોલ હતો અને બહારગામથી આવેલા મહેમાનો યુવતીના ભાઈ, ભાભી, ભત્રીજો તથા ભત્રીજી સાથે ઝુલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક આ પુલ તૂટવાના કારણે એક જ કુટુંબના કુલ મળીને આઠ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા માજોઠી જુમાભાઈ સાજણભાઈની બહેનની સગાઈ હોવાથી તેમના ઘરે ખુશીનો માહોલ હતો અને મહેમાનો આવી ગયા હતા જેથી માજોઠી જુમાભાઇ સાજણભાઇ (31) તેના પત્ની માજોઠી રેશમાબેન (27), દીકરો મેહનૂર (8), દીકરી ફેજાન (6) તેમજ તેમના બનેવી હુસેનભાઇ દાઉદભાઈ માજોઠી (45), બે ભાણેજ હનીફ હુસેન માજોઠી (20) અને હર્ષદ હુસેન માજોઠી (5) તેમજ ભત્રીજી સાઇના આદમભાઈ માજોઠી (16) ઝૂલતા પુલે ફરવા ગયા હતાં જ્યાં સર્જાયેલ દુર્ઘટનામાં આઠેયના મૃત્યુ નીપજયા હતા. જે ઘરની અંદર સોમવારના દિવસે સગાઈનો પ્રસંગ યોજાવાનો હતો અને રવિવારે સાંજ સુધી જે ઘરમાં ખુશીનો માહોલ હતો તે ઘરની અંદર રવિવારે સાંજથી હવે માતમનો માહોલ છવાઈ ગયો છે અને એકી સાથે એક ઘરમાંથી ચાર વ્યક્તિઓનો જનાજો નીકળતા અનેક લોકોની આંખો ભીંજાઈ હતી.
મોરબીમાં સગાઈની પૂર્વ સંધ્યાએ કુટુંબના આઠ લોકોના મૃત્યુથી શોક
