સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયાનાં ખાસ પ્રયાસોથી PMJAY અંતર્ગત સર્જરી વિના મૂલ્યે કરાઇ
ગુજરાતમાં પહેલીવાર આવી જટિલ સર્જરી કરાઇ : સિવિલ અધિક્ષક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલના ઓર્થોપેડિક ડોક્ટર્સે ઇતિહાસ રચ્યો છે. જેમાં સુષુપ્ત થઈ ગયેલા ખભાના સાંધાના ગોળાને બેસાડવા માટેની અત્યંત જટિલ એવી ’રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી સર્જરી’ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ) સૌ પ્રથમવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવી છે. ઓર્થોપેડીક ડો. જય તુરખીયા અને ટીમે બે વર્ષથી શેરિંગો માઇલ્યા નામની બીમારીથી પીડાતી મહિલાની લટકતા ખભાની અતિ જટીલ સર્જરી કરી મહિલા દર્દીને પીડામાંથી મુકત કરી હતી. આ સર્જરી ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો 6-7 લાખ જેટલો ખર્ચ થાય છે. જયારે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયાનાં ખાસ પ્રયાસોથી ઙખઉંઅઢ અંતર્ગત આ સર્જરી વિના મૂલ્યે કરવામાં આવી છે.
આ અતિ જટિલ સર્જરી કરનાર ડોકટર જય તુરખીયાએ જણાવ્યું કે, આશરે બે માસ પહેલાં 50 વર્ષીય મહિલા દર્દી મંજુલાબેન ડાંગર તેમના ખભાની તકલીફને લઈ બતાવવા આવ્યા હતા. ત્યારે તેમનો હાથ સંપૂર્ણ નિષ્ક્રિય હતો. જમણા હાથ વડે તે કોઈ કામ કરી શકતા નહોતા. વધુ નિદાન બાદ ખ્યાલ આવ્યો કે, તેઓએ જવલ્લે જોવા મળતી ’ચારકોટ શોલ્ડર’ નામની બીમારી થઈ છે, જેમાં તેઓના ખભાની લોહીની નસો સુકાવા ઉપરાંત ચેતાતંત્ર નિષ્ક્રિય થઈ ગયું હતું. ફક્ત એટલું જ નહીં બંને ગોળાની સરફેસ સાવ ઘસાઈને ડી-લોકેટ થઈ ગઇ હતી. આ કિસ્સામાં માત્ર નવો ગોળો નાખવાથી હાથ કાર્યરત થઈ શકે તેમ નહોતો. ગોળાને બેસાડવા ખાસ સર્જરી કરી તેઓના જોઈન્ટ થતા હાડકાંના અંતર્ગોળ ભાગ અને બહિર્ગોળ ભાગને રીવર્સ પ્રોસેસથી ઊલટાવવો પડે તેમ હતો. અહીં હાડકું પણ શિથિલ અવસ્થામાં હોય સર્જરી બાદ સ્ક્રુ ફીટ કરવામાં પણ તકેદારી રાખવી પડે તેમ હતી.
અત્યંત જટિલ સર્જરી માટે સૌપ્રથમ અમે જરૂરી રિસર્ચ કર્યું હતું. બાદમાં તે માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાયા હતા તેમજ ટેક્નિકલ અને નર્સિંગ ટીમને ખાસ ટ્રેનિંગ આપી હતી.
ત્યારબાદ મહિલા દર્દીને પણ માનસિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. જો આ સર્જરીમાં ચૂક થાય તો હંમેશને માટે હાથ ગુમાવવાની ઘડી આવે તે ધ્યાને રાખી અમે દર્દીનું ઓપરેશન સાડા ચાર કલાકની મહેનત સાથે પાર પાડ્યું છે. હાલ દર્દીના હાથની સ્થિતિ સારી છે અને ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે હજુ તેઓને ફિઝ્યોથેરાપીસ્ટની મદદથી હાથની કસરત કરી ક્ષમતા પુન: પ્રસ્થાપિત કરતાં અંદાજે 2 મહિના જેટલો સમય લાગશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ સર્જરી કરાવનાર મહિલા દર્દી મંજુલાબેન ડાંગરે જણાવ્યું હતું કે, છેલ્લાં એક-બે વર્ષથી મેં ખભાનાં દુ:ખાવાના ઈલાજ માટે અનેક હોસ્પિટલમાં ધક્કા ખાધા હતા.
બીમારીના કારણે મારો જમણો હાથ રોજિંદુ કામ કરવા માટે સાવ નિષ્ક્રિય થઈ ગયો હતો, જેના કારણે મને ઘણી તકલીફ પડતી હતી. તમામ નિરાશાઓ વચ્ચે, અંતે રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાં મારી બીમારીનું સચોટ નિદાન થતાં મારા ખભાની સફળ સર્જરી થઈ છે અને મારો નિષ્ક્રિય હાથ ફરી સક્રિય બન્યો છે. આ તકે સિવિલ હોસ્પિટલનાં તમામ ડોક્ટર્સ અને સ્ટાફનો તેમણે આભાર માન્યો હતો.