ડિગ્રી વગર ચાલતું દવાખાનું ગ્રામ્ય SOG ટીમે ઝડપી પાડ્યું
4 દિવસ પહેલા ધોરણ 8 પાસ નકલી ડોક્ટર ત્રીજી વખત ઝડપાયો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલના વાસાવડ ગામે મોચીની પેઢી વિસ્તારમાં કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી ન ધરાવતો હોવા છતાં પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપી દવાખાનું ચલાવી અને એલોપેથીક દવાઓ અને ઈન્જેકશનથી સારવાર કરતો બોગસ ડોક્ટરને રાજકોટ ગ્રામ્ય એસઓજી ટીમે ઝડપી લઇ રૂ.10,131ના મુદ્દામાલ જપ્ત કરી બોગસ ડોક્ટરના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસની પૂછપરછમાં પકડાયેલો આ શખસ નવ ધોરણ સુધી ભણ્યો હોવાનું માલુમ પડ્યું હતું તે અગાઉ અહીં ગામમાં એક ડોક્ટર સાથે કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. કમ્પાઉન્ડરનો અનુભવ મેળવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી તેણે પોતાનું ક્લિનીક શરૂ કરી દીધું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમને મળેલ ચોક્કસ બાતમીને આધારે ગોંડલના વાસાવડ ગામે મોચીની પેઢી વિસ્તારમાં રમેશભાઇ મગનભાઇ માળવી નામનો વ્યક્તિ કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી ન ધરાવતો હોવા છતાં પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપી અને ક્લીનીક ચલાવે છે.અને હાલે તેની પ્રેક્ટીસ ચાલુ હોવાની ચોકકસ હકીકતના આધારે દરોડા પાડી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગ્લુકોઝના બાટલા, ઇન્જેક્શન, સીરીજ અને જુદા-જુદા રોગોની એન્ટીબાયોટિક દવાઓ સહિત રૂ.10,131નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
તબીબ 3 વર્ષમાં ત્રીજી વખત પકડાયો
આજથી 4 દિવસ પહેલા જ રાજકોટમાં ધો.8 પાસ નકલી તબીબ 3 વર્ષમાં ત્રીજી વખત પકડાયો હતો, દર વખતે પોલીસની પક્કડમાંથી છુટ્યા બાદ ફરીથી પ્રેક્ટિસ કરતો હતો. શિતળાધાર 25 વારીયા મેઇન રોડ પર હનુમાનજી મંદિર પાસે એક ઓરડીમાં કોઇપણ પ્રકારની ડિગ્રી વગર એક શખ્સ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી મળતાં આજીડેમ પોલીસે તેની ધરપકડ કરી હતી.