જિલ્લા કલેક્ટરની વધુ એક નવીન પહેલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જનસમસ્યાઓને ઉકેલવા જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વધુ એક નવીન પહેલ કરી છે. કલેકટરે લોકપ્રશ્નો અર્થે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે.
મેંદરડા પ્રાંત અધિકારીની કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને મેંદરડા તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નોના ઉકેલ માટે સરપંચ સંવાદ કાર્યક્રમના માધ્યમથી તેમની સમસ્યાઓનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ સાથે તેના ઉચિત ઉકેલ માટે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.જિલ્લા કલેકટરે જણાવ્યું કે, આ પ્રકારના કાર્યક્રમની શરૂઆત કરવાથી જિલ્લા વહીવટી તંત્ર સીધું જ સરપંચશ્રીઓ અને તલાટીઓ સાથે જોડાઈ શકશે. ઘણી વાર ગ્રામ્ય કક્ષાના તમામ પ્રશ્નોનો જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં સમાવેશ કરી શકાતો નથી. ઘણી વખત સમયનો અભાવ હોય છે. ત્યારે આ પ્રકારના આયોજન થકી જિલ્લા વહીવટી તંત્ર સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જોડાઈ શકે છે. તેમના પ્રશ્નોનો સ્થળ ઉપર જ તાત્કાલિક નિરાકરણ આપી શકાય છે. કાર્યક્રમમાં જમીન માપણી, પાળા બનાવવા, કોઝ વે નિર્માણ, દબાણ હટાવવા, રોડ રીપેરીંગ, રોડ રિસરફેસિંગ, એસટી બસ સ્ટોપ બનાવવા, પુલ નિર્માણ, ગૌચર જમીન, ગ્રામ પંચાયતના નવા ભવન નિર્માણ, નવા રોડ બનાવવા સહિતના 50 જેટલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
- Advertisement -
આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, મેંદરડા ખાતે એક અત્યાધુનિક લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે, જેથી આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓને વાંચવા માટે દૂર સુધી જવું ન પડે. જેને ધ્યાનમાં રાખતા કલેકટરે રૂ. 25 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આમ ભવિષ્યમાં મેંદરડા ખાતે સુવિધાસભર અત્યાધુનિક લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે.



